ભ’ઈ કેટલી વાર કહું 3 અડધી ચ્હા આપો!!
યોગેશ બરાબરનો અકળાયો હતો કેમ કે 20 મિનિટથી ચ્હાની રાહ જોઈ રહ્યા હતાં. ત્રણ વખત આંખમાં આંખ નાખીને, બે વખત હાથથી ઈશારો કરીને અને ચાર વખત મોટેથી બુમ પાડીને ચ્હાવાળાને ઓર્ડર આપ્યો હતો પણ હજી સુધી ચ્હા આવતી નહોતી. સાથે આવેલા ઓફીસ કુલીગસ 3 વખત “ચાલશે યોગેશ સર, રહેવા દો” કહી ચૂક્યાં હતાં.
પણ યજમાન તરીકે યોગેશને ઈજ્જત દાવ પર લાગતી દેખાતી હતી.
અડધી ચ્હા સામે આખી ઈજ્જત દાવ પર!!!!
યોગેશ અમદાવાદની એક નાની પ્રાઇવેટ કમ્પનીમાં સેલ્સ હેડ હતો અને એના હાથ નીચે 5 સેલ્સમેન હતાં. સેલ્સના ધારા પ્રમાણે સોમવારે બાપુનગર મેમ્કો નરોડા રૂટ પર જવાનું, મંગળવારે ઇન્કમટેક્સથી કાલુપુર સ્ટેશનનો રૂટ, બુધવારે નરોડા, એરપોર્ટ, શાહીબાગ રૂટ, ગુરુવારે સેટેલાઇટ, બોડકદેવ વસ્ત્રાપુર, શુક્રવારે લાલ દરવાજા, રિલીફ રોડ, પથ્થરકુવા અને શનિવારે નારણપુરા, ઘાટલોડિયા, સ્ટેડિયમ વિસ્તારમાં સેલ્સ કરવાનું.
5 સેલ્સમેનમાંનો એક પંકજ દરિયાપુરમાં રહેતો હોવાથી સોમવારે એ આગ્રહ કરીને રૂટમાં આવતા પોતાના ઘરે ચ્હા-પાણી કરવા આખી ટીમને લઈ જતો. શુક્રવારે રીલીફ રોડ પર રહેતો વિનય એના ઘરે લઈ જતો. બાકીના ત્રણ રૂમ ભાડે રાખીને રહેતા એટલે એ ઘર યજમાન બની ના શકતા પણ એ બધાનો બોસ પોતે એટલે કે આપણી વાર્તાનો નાયક યોગેશ પોતે શનિવારે પોતાના નારણપુરા અંકુર વિસ્તારમાં આવેલા ઘરની આસપાસની દુકાનોમાં માર્કેટિંગ કરતો.
યોગેશની પ્રાસંગીક અને સામાજિક ફરજ એમ કહેતી હતી કે મારે પણ બધાને મારા ઘરે ચ્હા-પાણી માટે કમ સે કમ એક વાર તો લઈ જવા જોઈએ!!
પણ યોગેશની ઘરની હાલત આની રજા આપતી નહોતી. યોગેશની પત્ની બપોરે ટ્યૂશન કરાવતી હોય એટલે ઘરમાં બેસવાની જગ્યા જ ના હોય.
એવામાં અચાનક ટ્યૂશનમાં બ્રેક પાડીને બધાને ચ્હા-પાણી કરાવે તો પણ ટ્યૂશનના છોકરાને બેસાડવા ક્યાં એ પ્રાણપ્રશ્ન વણઉક્લ્યો હતો,
એટલે વચલા રસ્તા તરીકે ઘરની સામે જ આવેલા જય અંબે ટી સ્ટોલ પર બધાને યોગેશ દર શનિવારે લઇ જતો.
વાર્તાના પ્રારંભે જે સંવાદ(કે વિખવાદ!!) અને અકળામણ જોઈ તે દર શનિવારની હતી.
જય અંબે ટી સ્ટોલવાળો ખરેખર ખુબ સારી ચ્હા બનવાતો હતો. ટ્રાયલ એન્ડ એરર મેથડથી એણે ચ્હાનો એક ચોક્કસ સ્વાદ શોધી કાઢ્યો હતો. કેટલું આદુ નાખવું, કેટલો ફુદીનો નાખવો, ચ્હા ઉકાળવી કેટલી વિગેરેનું એક પરફેક્ટ માપ એને મળી ગયું હતું. એ સિવાય પણ એ એક સિક્રેટ મસાલો એમાં નાખતો હતો જેની જાણકારી કે રહસ્ય કે રેસિપી માત્ર અને માત્ર એની પાસે જ હતી.
એના ત્યાં હંમેશા 20 થી 25 માણસોનું ટોળું ચ્હા ઉતરે એની રાહ જોઈને બલ્કે કહો કે ટાંપીને બેઠું હોય. ચ્હાવાળા છોકરા પાસે હંમેશા ચ્હા ઉતરતા પહેલાં જ એના વેચાણનો 100% ઓર્ડર હોય. એટલે કે ચ્હા બની પણ ના હોય પણ એ પહેલા બધી જ વેચાઈ ગઈ હોય!!
દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પણ વસ્તુનું પ્રોડકશન કરતા યુનિટ માટે આ સ્વપ્ન સમાન ઘટના હોય. અને હા, આ ટોળું એટલે રખેને હાલીયા માલીયા રસ્તે રખડતા લોકો સમજતા, સારી સારી કંપનીના એક્ઝિક્યુટિવ્સ, આજુબાજુના રહેવાસીઓ, સ્ટુડન્ટ્સ, પીજીમાં રહેતા બહારગામના લોકો, ખુદ એ કોમ્પ્લેક્સના લોકો બધા જ ત્યાં આવતા હતાં.
આ ચ્હાની ખ્યાતિ એટલી તો હતી કે નારાણપુરાનું કોઈ પણ એડ્રેસ આ ચ્હાવાળાના રેફરન્સથી બતાવાતું કે “પેલો ચંદુ ચ્હાવાળા છેને? બસ ત્યાંથી સહેજ આગળ જઈને ડાબે વળો એટલે અમારી સોસાયટી આવે”
અમદાવાદનું નારણપુરા એટલે જાણે મીની માણેકચોક જોઈ લો, કે સુરતનું મીની ખાઉ ગલી કહી દો. લગભગ ચોવીસે કલાક ખાવાના શોખીનોથી ધમધમતું અને વિવિધ સોડમથી મઘમઘતું હોય.
દાળવડા, સેન્ડવિચ, પાણીપુરી, ઢોંસા, બટાકા પૌઆ, દાળ પકવાન, દાબેલી, વડાપાઉં, આઈસ્ક્રીમ, રગડાપેટીસ, સ્વામિનારાયણ ખીચડી, વિવિધ ફ્લેવર્સની સોડા, બર્ગર, લસ્સી, છાશ, ખમણ, ફરાળી, ખારેક.. અરે! એક જુઓ ને બીજુ ભૂલો એટલી વેરાઈટી!
નારણપુરા એટલે સ્ટુડન્ટ્સનો ગઢ. PG માં રહેનારાનો તોટો નહિ, ચાર્ટર્ડ એકાન્ટન્ટસી ભણનારા, MBA કરનારા, નોકરી કરનારા અને નોકરીની તલાશમાં સૌરાષ્ટ્ર અને આજુબાજુના નાના શહેરોમાંથી અમદાવાદમાં આવનારા લોકોથી ઉભરાતો વિસ્તાર. બધાને સવારથી સાંજ સુધી અલગ અલગ સમયે પેટનો નાનો ખાડો પુરવા અને જીભનો મસમોટો ચટાકો પુરવા આ બધાની જરૂર પડે જ પડે.
માર્કેટિંગ અને બ્રાન્ડિંગના સદીઓ જુના નિયમાનુસાર માઉથ પબ્લિસિટી એ સૌથી સસ્તી, સૌથી અકસીર અને સૌથી ઝડપી માર્કેટિંગ રીત છે, એમાં જે બ્રાન્ડિંગ થાય એ ગમે તેટલા રૂપિયા ખર્ચો તો પણ ના થાય.
એટલે કે આ ચંદુ ચ્હાવાળા એક બ્રાન્ડ બની ચુક્યો હતો.
બ્રાન્ડ એટલે એવું કે સૌરાષ્ટ્રના લોકો દિવાળીમાં કે સાતમ આઠમમાં “દેશમાં” જાય ત્યારે આ ચ્હાના વખાણ કરતા આવે અને ત્યાંથી આવનારો નવો ફાલ આ ચંદુ ચ્હાવાળાને શોધતો શોધતો આવે. અરે CA ના કે CS ના કલાસમાં સુદ્ધાં આની ચર્ચા થઇ ગઈ હોય. અને છેક સ્ટેડિમ પાસેથી લોકો એમના પટાવાળાને થર્મોસ લઈને આની ચ્હા લેવા મોકલવા માંડયા હતા.
“ચલો એક સારી ચ્હા પીવડાવું બોસ, અહીં ના ગમે તો અમદાવાદમાં ક્યાંય નહિ ગમે” આવું કહીને પોતાના ચ્હાના રસિયા મિત્રોને અહીં સુધી ખેંચી લાવી ચ્હા ચખાડી જાણે પોતે પરાક્રમ કર્યું હોય એમ પોરસાનારા લોકોની કમી નહોતી.
ટોળું ટોળાને ખેંચે એ સાઇકોલોજી સારી રીતે જાણી
ચુકેલો આ ચંદુ ચ્હાવાળો ક્યારેય તૈયાર, પડી રહેલી કે થર્મોસ કે તપેલીમાં રાખી મુકેલી ચ્હા ઘરાકને આપતો નહીં. હંમેશા તાજી અને ખુશ્બુદાર ચ્હા બનાવતો અને ચ્હા બનાવવામાં જાણી જોઈને વાર લગાડતો.
ઉભેલા ઘરાક રાહ જોઈને બેચેન થઇ જાય અને ચ્હા માટે તરસી જાય પછી જ ચ્હા પીરસવી એ કળા આ ચંદુ ચ્હાવાળો હસ્તગત કરી ચુક્યો હતો.
એના સ્વાદનું એકધારાપણું અને ચ્હા માટે ઘરાકોના ટોળેટોળા જોઈ આજુબાજુ ઘણાને આ તૈયાર માર્કેટમાં ઝંપલાવીને ચ્હાની કીટલી કરવાની ઈચ્છા થતી હતી પણ જેટલી વાર કોઈએ આવા પ્રયત્ન કર્યાં એટલી વાર ઊંધા મ્હોંએ પછડાટ ખાવી પડી અને ખોટ ખાઈને કીટલી બંધ કરવી પડી. અરે કોફીની સારી બ્રાન્ડ સાથે કોલોબોરેશન કરીને શરુ કરેલી કીટલીઓ પણ ના ચાલી!
જેટલી વાર આજુબાજુમાં નવી ખુલેલી કીટલી બંધ થાય એટલી વાર ચંદુ ચ્હાવાળાની આંખોમાં ગુમાન છલકાતું. અને કેમ ના છલકાય? આખરે હરીફને ઉગતો જ પછાડ્યો છે. વિશ્વ્ આખાની તમામેતમામ બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ દિવસ રાત એ જ કામમાં રચીપચી હોય છે ને?
આંખોથી મગજનો રસ્તો સૌથી ટૂંકો હોય છે એ નાતે આંખો સુધી પહોંચેલું ગુમાન બહુ જલ્દીથી મગજમાં પહોંચી ગયું. પ્રાઈમસમાં હવા ભરતાં ભરતાં એનામાં હવા ભરાવા માંડી.
હું અજેય છું, મારા જેવી ચ્હા કોઈ નહિ બનાવે એવા દલા તરવાડીછાપ અને માર્કેટિંગની ભાષામાં કહેવાતા સેલ્ફ પ્રોક્લેઇમડ ભૂંસાએ ચંદુ ચ્હાવાળાના દિલોદિમાગનો કબજો લઇ લીધો.
એણે ચ્હા આપવા જતાં છોકરાઓને છુટા કર્યા જાણે “જેને ગરજ હોય તે અહીં આવીને લઇ જાય” વાળો નિઃશબ્દ હુકમ જારી કર્યો. ચ્હાની શાખ અને સ્વાદ એટલા હતાં કે ગ્રાહકોએ આ પગલું નજરઅંદાજ કર્યું અને એને ત્યાંથી જાતે ચ્હા લેવા માંડયા. ચ્હા ઉતરે ત્યારે લેવા માટેની પડાપડી સાચે જોવા લાયક હતી. જેના હાથમાં ચ્હા આવે એ જાણે જેકપોટ લાગ્યો હોય એવી મુદ્રામાં આવી જતો હતો કારણકે ચંદુએ ચ્હાનો સ્વાદ એકધારો જાળવી રાખ્યો હતો.
ચ્હાનો સ્વાદ તો ચંદુ પારખી શક્યો પણ બદલાતી હવા ના પારખી શક્યો!
ચ્હાના ગ્રાહકોમાં એક વાત કોમન હતી કે બધા ચ્હા પીવા આવતા હતા પણ પણ એક વાતે સૌ અલગ હતાં કે બધા પોતાનું સ્વમાન અડધી ચ્હા સામે છોડી દેવા તૈયાર નહોતાં.
શરુ શરૂમાં તો ઘણાને ખબર પણ નહોતી કે ચ્હાવાળા છોકરાને છુટા કર્યા છે માટે ચ્હા જાતે લઇ આવવાની છે. એટલે એ બધા રાહ જોઈને ઉભા રહેતા કે હમણાં ચ્હા આવશે, હમણાં ચ્હા આવશે. 5-6 વાર ઈશારા કરે, 3-4 વાર બુમ પાડીને, એકાદ વાર સીટી મારીને કહે, 2-3 વાર જાતે છેક ત્યાં જઈને કહી આવે પણ ચંદુ ચ્હાવાળાનું ગુમાન એ હદે બુદ્ધિ બહેરાવી ગયું હતું કે ભાવવિહીન સખ્તાઈ ધારણ કરીને ગ્રાહક સામે જોયા કરે પણ ના ચ્હા આપે, ના માહિતી આપે કે “ચ્હા જાતે લઇ જાઓ.”
ચંદુ ચ્હાવાળો હવે ગરમાગરમ ચ્હા ઉતારતાં ઉતારતાં ઘરાકનું માન ઉતારવા માંડ્યો.
પોતાની જાતને અપમાનિત અનુભવતો ગ્રાહક તરત ખસિયાણો પડી જતો અને ચંદુ ચ્હાવાળો પોરસાઈ જતો. માઉથ પબ્લિસિટીનું હથિયાર ભલે સૌથી અકસીર હોય પણ એ બે તરફા ધારવાળું હોય છે અને એની નેગેટિવ ધાર એની પોઝિટિવ ધાર કરતાં વધારે તીક્ષ્ણ અને ઝડપી હોય છે એ ચંદુ ભૂલી ગયો. ધીમે ધીમે જયાં જયાં ચંદુની ચ્હાની વાત થતી હતી ત્યાં ત્યાં ચંદુની ઉઘ્ધતાઇની વાત થવા માંડી. વાત સાંભળનારને “ત્યાં ગયા વગર અપમાન મહેસૂસ થવા માંડ્યું.” ચ્હા કરતાં કીટલી ગરમ હોય એ ઉક્તિ ચંદુએ સાર્થક કરી. આજુબાજુ ખાણીપીણીની લારીઓના કારણે ગ્રાહક તો એટલા જ હતાં પણ ચંદુની ચ્હાની ઘરાકી ઘટવા માંડી.
ટાંપીને બેઠેલા બાજુવાળા ગલ્લાવાળાને આ વાત તરત ધ્યાનમાં આવી અને એને ડિમાન્ડ સપ્લાય ગેપ પણ સમજાયો કે ચ્હાની ડિમાન્ડ ઘણી છે પણ સપ્લાય નથી. સપ્લાય ના હોવાનું કારણ ચ્હા આપવા જનાર છોકરા નથી અને ગ્રાહક ચ્હા જાતે લેવા જવા તૈયાર નથી, એને પોતે જયાં ઉભો હોય ત્યાં ચ્હા હાથમાં આપી જાય એવી ડોર સ્ટેપ સર્વિસ જોઈએ છે.
ધંધાની વાત આવે ત્ત્યારે ગુજરાતીઓનું મગજ ધોનીના સ્ટમ્પીંગ કરતાંયે ઝડપી ચાલતું હોય છે એ ઉક્તિને સાર્થક ઠેરવતા બાજુના ગલ્લાવાળા ગંગુ ગુજરાતીએ તરત અન્ય એક ઓળખીતાને વાત કરી અને રાતોરાત ત્યાં એને પોતાના ગલ્લા બહાર જગ્યા આપીને જય મહાકાળીને નામે ચ્હાની કીટલી ચાલુ કરી દીધી. જય મહાકાળીની ચ્હા શરૂઆતમાં સ્વાદમાં જરાય સારી નહોતી પણ ટ્રાયલ એન્ડ એરર કરતાં કરતાં પીરસી શકાય એ લેવલે પહોંચી ગયો પણ સૌથી મોટી વાત એ હતી કે એણે “કસ્ટમર ડોર સ્ટેપ સર્વિસ” માટે 3 છોકરાઓ રાખ્યા હતાં. શરૂઆતમાં તો એ છોકરાઓનો પગાર પણ ખોટ ખાઈને ઘરમાંથી આપ્યો પણ ધીમે ધીમે બ્રેક ઈવન (નહીં નુકશાન નહીં ખોટ) લેવલ આવી ગયું.
ત્યાં પહોંચતા ચ્હાના રસિયા માટે હવે બે વિકલ્પ હતાં. “સ્વાદ જોઈએ છે કે સ્વમાન જોઈએ છે?“
સ્વાદ અને સ્વમાનની લડાઈમાં સ્વમાન જીત્યું અને સ્વાદ હાર્યું. લોકો ચંદુ ચ્હાવાળાની કીટલીની બરાબર સામે ઉભા રહીને જય મહાકાળીમાંથી ચ્હા મંગાવીને પીવા માંડયા.
ગ્રાહક અને ઘરાકીનું પલડું ધીમે ધીમે જય અંબેથી તરફથી ઊંચકાઈને જય મહાકાળી તરફ ઢળવા માંડ્યું.
વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એ ઉક્તિને સાર્થક કરતાં ચંદુ ચ્હાવાળાએ આમાંથી બોધપાઠ લઇ કસ્ટમર ડોર સ્ટેપ સર્વિસ ચાલુ કરવાને બદલે ચ્હાની વેરાઈટી વધારવાનું આત્મઘાતી પગલું અપનાવ્યું અને કુલ્લ્ડવાળી ચ્હા, 20 વાળી ચ્હા, મસાલાવાળી ચ્હા એમ 3-4 ફ્લેવર્સ ઈન્ટ્રોડ્યૂસ કરી દીધી. પણ ગ્રાહક સામે સમીકરણ હજી એ જ હતું કે સ્વાદ જોઈએ છે સ્વમાન?
સદીઓથી સ્વાદ સામે સ્વમાન જીતતું રહ્યું છે એમ આ કેસમાં પણ ફરી જીતી ગયું. આજે ચંદુ ચ્હાવાળાને ત્યાં ફ્લેવર્સ 4 છે અને ગ્રાહક 4 ગણા ઓછા અને જય મહાકાળીમાં ફ્લેવર એક જ છે પણ ગ્રાહક 4 ગણા છે કેમ કે ડોર સ્ટેપ સર્વિસ આપનારા છોકરા 4 છે. ચંદુને પહેલા ફુર્સત નહોતી મળતી…. હવે ગ્રાહક નથી મળતા.
પહેલા લોકો ગાંઠિયા ખાવા આવતા અને ચ્હા પી જતાં હવે ગણ્યા ગાંઠયા લોકો જ આવે છે
યોગેશ હવે દર શનિવારે ખુશી ખુશી પોતાના કૂલિગ્સને લઈને ચા પીવા જાય છે, હવે તેને ઈજ્જત જવાની બીક નથી બલ્કે હવે તેને ઈજ્જત સચવાવાનો ભરોસો છે, હવે એણે કહેવું પણ નથી પડતું કે “6 અડધી આપો ભ’ઈ”
જય અંબે અને જય મહાકાળી બંને એક જ “મા” ના સ્વરૂપ, બંને મા ઉપરથી શિખામણ આપતા કહે છે કે “ભગવાન અમે નથી, ભગવાન તો ગ્રાહક હોય. તને અમારા નહિ ગ્રાહકના આશીર્વાદની જરૂર છે, પૂજા અમારી નહિ ગ્રાહકની કર”
“ગ્રાહકનો શ્રાપ અમારા શ્રાપ કરતા વધારે ભયાનક હોય છે.”
અસ્તુ
(કથા બીજ: નિધિ સરધાણા- બાપુનગર )
નોંધ: તમામ પાત્રોના નામ, સ્થળ, લાયકાત કાલ્પનિક છે. કોઈ જીવિત યા મૃત વ્યક્તિ કે ઘટના સાથે સરખાપણું એ માત્ર સંયોગને આધીન હોઈ શકે.
________________________________________________________________
બિઝનેસ લર્નિંગ:
- ગુગલ જેવું ગુગલ જો ગુજરાતી ગ્રાહકને ધ્યાનમાં રાખીને ગુગલ ગુજરાતી ઈન્ટ્રોડ્યુસ કરતું હોય અને માંગેલી માહિતી 0.009 સેકન્ડમાં હાજર કરતુ હોય તો તમે એવી તો કઈ બ્રાન્ડ કે આમ 15 મિનિટ્સ સુધી ગ્રાહકને ટટળાવીને ચ્હા આપો?
- બ્રાન્ડ બનાવતાં જેટલાં વર્ષો લાગે, ઇમેજ ખરાબ થતાં એટલાં જ દિવસો લાગે.
- નારાજ કસ્ટમરની એક લહેર, કોરોનાની ત્રણ લહેર કરતાં વધારે નુકશાનકર્તા હોય છે.
- માઉથ પબ્લિસિટી સૌથી અકસીર પણ સૌથી ઘાતક હથિયાર છે.
- એક ખુશ કસ્ટમર બીજા એક ખુશ કસ્ટમરને લઇ આવશે પણ એક નારાજ કસ્ટમર બીજા 10 કસ્ટમરને આવતા અટકાવશે.
- આ કેસમાં કસ્ટમરને આકર્ષવા ચ્હાની વેરાઈટીને બદલે ડોર સ્ટેપ સર્વિસની વધુ જરૂર હતી.
- પોતાના ધંધામાં ડિમાન્ડ સપ્લાય ગેપ પર સતત વૉચ રાખવી ઘટે.
- મારા જેવી ચ્હા કોઈ નથી બનાવતું જેવા સેલ્ફ પ્રોક્લેઇમ્ડ સ્ટેટમેન્ટ કરતાં તમારા જેવી ચ્હા કોઈ નથી બનાવતું જેવા કસ્ટમર ટેસ્ટીમોનિયલ્સ વધારે અગત્યના છે.
- અન્ય કોઈ લર્નિંગ આપના ધ્યાનમાં હોય તો કોમેન્ટ્સમાં લખી જણાવશોજી.
____________________________________________________________
BizTea ના ફાઉન્ડર અને બિઝનેસ કોચ દીપક મકવાણા દ્વારા આ પ્રસંગ કથા બીજ નિધિ સરધાણા- બાપુનગર પાસેથી એમનો જય અંબે ટી સ્ટોલનો જાત અનુભવ મેળવીને આલેખાયો છે. બિઝનેસના જટિલ કૂટપ્રશ્નોને ખૂબ સરળ ભાષામાં સમજાવવા એ તેમની આગવી ઓળખ છે. નાના પણ વાસ્તવિક પ્રસંગો થકી મળતું બિઝનેસ લર્નિંગ સામાન્ય બિઝનેસમેનથી લઈને એન્ટરપ્રાઈઝ લેવલની CXO ટીમને આકર્ષે છે.
બિઝનેસની મોટી બારાખડીથી લઈને નાની બારાખડી સુધીની તમામ વિગત જાણે માનીતા શિક્ષક પાસેથી શીખતા હોઈએ એ સરળતાથી પચાવી શકાય એ રીતે રજૂ કરવામાં તેઓ માહેર છે.
તેઓ છેલ્લા ૨૩ વર્ષથી બિઝનેસ કોચિંગ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ એશિયાનું સર્વપ્રથમ કન્ટીન્યુઅસ બિઝનેસ લર્નિંગ પ્લેટફોર્મ BizTea સકસેસફૂલી ચલાવી રહ્યા છે. જેમાં તેઓ અનેક આંત્રપ્રિનિયોર્સ અને બિઝનેસમેન કક્ષાના વ્યક્તિઓને પોતાના અનુભવનો અર્ક વહેંચે છે અને તેમની સફળતામાં પોતાના જીવનનો સંતોષ માને છે.
શ્રી દીપક મકવાણાનો આપ અહીં સંપર્ક કરી શકો છો.
# મોબાઈલ 98251 68222
# ઇ-મેઈલ dkmakwana@yahoo.com
Customer is God.
Customer is always right.
Very Right Sir
Thank you
Truely simple storytelling.
Thank you Sir
Amazing Learning from the story
Thank you Sir
The example given is of a simple chaiwala but learnings can be applied to each and every walk of life. Superb example sir. 1 more learning can always be respect your employees eben though they may be doorstep delivery boys. Consider them as stakeholders in business
Great Insight Sir that even delivery boys stake holders!!! Thank you for sharing
Nice Leraning Story in Very Simple way Thanks Sir
Thank You Bafnaji
Great learning from this simple insident.
Thank You Shailesh
Jordar sir
Thank you
Complicated business problems and their solutions explained so well by simple story telling
Really impressive
Impressive way of explaining business
Congratulations
Thanks for sharing such lesson with story.. It’s Good.