Blog

શતરંજની રાણી

“બિની, મને 10 મિનિટ હજી લાગશે, તું સાડા પાંચને બદલે પોણા છ વાગે આવજે, ઓકે?“

સામે છેડે બિનિતા કંઈ બોલે એ પહેલા માનુષે ફોન મુક્યો.

“હાઉ ડેર યુ?” બિનિતા સમસમીને નહિ બલ્કે તમતમીને રહી ગઈ.

“આજે તો પાઠ ભણાવી જ દેવો છે સાલાને” બિનીતાએ મનોમન નક્કી કર્યું અને મક્કમ નિર્ધાર સાથે વસ્ત્રાપુર તળાવ બાજુ ગાડી મારી મૂકી.

ગાડીની ભયજનક સ્પીડ, ચિચિયારી મારતી શોર્ટ બ્રેક, કટોકટ નીકળતાં અને સહેજમાં અડતાં રહી જવાય એવું ઓવરટેક અને 8-9 કશમાંજ પુરી થઇ જતી સિગરેટ એવું કહેતી હતી કે ગાડીની અંદર ભલે AC 23 ડિગ્રી બતાવતું હોય પણ બિનીતાનું અંદરનું તાપમાન 43 ડિગ્રી ઉપર જતું રહ્યું હતું.

બિનીતાનાં આટલા તાપમાનનું કારણ હતું એનું ઘવાયેલું માન જેના કારણે એનો તાપ આટલો વધી ગયો હતો.

બિનિતા માઉન્ટ આબુની કોન્વેન્ટ બોર્ડિંગમાં ભણેલી અમદાવાદના પૈસાદાર પ્રતિષ્ઠિત બિઝનેસમેન બાપની મોર્ડન છોકરી હતી. સિગરેટ, ડ્રગ્સ, દારૂ છૂટથી લેતી હતી પણ એની બંધાણી નહોતી, છોકરાઓ સાથે બિંદાસ ફરતી હતી પણ કેરેકટરની ખરાબ નહોતી. કપડાં ટૂંકા પહેરતી હતી પણ સંબંધોની મર્યાદાની લંબાઈ પુરી રાખતી હતી. રાત્રે મોડે સુધી બહાર ફરતી હતી પણ રખડતી નહોતી. એસ. જી. હાઇવે પર બેસતી હતી પણ ગમે તેની સાથે બેસી નહોતી જતી. બિંદાસ લિફ્ટ લઇ લેતી હતી પણ ગમે તેને જીવનમાં લિફ્ટ આપતી નહોતી.

પુરુષ પ્રધાન સમાજે પોતાને અનુકૂળ આવે એવા નિયમો અને બંધનો સ્ત્રી માટે ક્યારનાયે એની જાણ બહાર અને મરજી વિરુદ્ધ ઘડી નાખ્યા છે!!

જો એમણે બાંધેલી મર્યાદા ઉલ્લંઘી સ્ત્રી ઉપર ઉઠવાની કોશિશ કરે તો એને નીચે પછાડવા માટે સ્ત્રીના ચરિત્ર માટેના સામાજિક ગુરુત્વાકર્ષણના નિયમો પણ સમાજના જડબુદ્ધિ ન્યુટનોએ છેક રામાયણ કાળથી હાથવગા રાખ્યા છે.

 આવો જ એક જડબુદ્ધિ ન્યુટન હતો માનુષ, ડો. માનુષ

Md ઈન હોમિયોપેથી અને અમદાવાદના વસ્ત્રાપુર તળાવના ઠીક ઠીક કહી શકાય એવા પોશ એરિયામાં ક્લિનિક

ડો. માનુષની વિશિષ્ટતા એ હતી કે ડોકટરી સ્કિલ્સ કરતા સોશિયલ મીડિયા સ્કિલ્સ ઘણી વધારે હતી એટલે ફેસબુક, ઇન્સ્ટા અને વેબસાઈટ, યુ ટ્યુબ પર છવાયેલો હતો.

યેલો ડાયલનું દશ વર્ષનું પેકેજ લઇ રાખ્યું હતું અને પેશન્ટ રીવ્યુ જુઓ તો અધધ કહી શકાય એવા 5/5 રેટિંગ્સ સિવાય કંઈ જ નહિ. ઓનલાઇન રીવ્યુ વાંચીને નિર્ણય લેતી નવી પેઢી તરત આકર્ષાય એવો તમામ શસ્ત્ર સરંજામ ડો માનુષ પાસે હતો.

ડો માનુષ પોતે કલોલ પાસેના એક ગામડે ગુજરાતી માધ્યમમાં સ્કૂલિંગ કરેલો અને “એક ગામના બધા ભાઈ બહેન કહેવાય” એવી માન્યતાવાળા મર્યાદિત વાતાવરણમાં ઉછેર થયેલો હતો.

મિત્રોની સલાહે સોસીયલ મીડિયા એજન્સીની મદદથી પોતાની એક ભ્રમિત છાપ ભદ્ર સમાજમાં ઉભી કરવામાં એ સફળ રહ્યો હતો.

એવામાં એના રીવ્યુ જોઈને બિનિતાએના ઊંઘ નહિ આવવાની સમસ્યાનાનિરાકરણ માટે એની પાસે પહોંચી.

હોમિઓપેથીની પ્રથા પ્રમાણે પહેલું સેશન આશરે 3 કલાક ચાલ્યું જેમાં બચપણથી લઈને હમણાં સુઘીની જીવનની ઝીણામાં ઝીણી વિગતો બિનિતાએ બેધડક જણાવી. જેમાં..

“મને લાંબા કપડાં નથી ગમતા”,

“સિગરેટ બહુ ગમે”,

“રાત્રે મોડે સુધી બહાર બેસી રહેવું બહુ ગમે”,

“પરણ્યા પહેલા જીવનના બધા રંગ માણી લેવા છે” નો અચકાયા વગરનો સ્પષ્ટ સંદેશ,

“કોઈને ફાઇનલ હા પાડતા પહેલા 4-5 છોકરા અજમાવી જોઇશ” થી લઇને

છઠ્ઠા ધોરણમાં કરેલી પહેલી કિસ અને

બહુ નાની ઉંમરે બનાવેલો પહેલો બોયફ્રેન્ડ અને

અહીં લખી ના શકાય એવી ઘણી બધી  અંગત વાતો ખુલ્લા દિલથી કરી.

ડો માનુષ, બિનીતાની તમામ વાતો એના કોમ્પ્યુટરમાં ટપકાવતો ગયો પણ સાથે સાથે મનમાંને મનમાં એની અંદરનો કામુક પુરુષ મધલાળ પણ ટપકાવતો ગયો.

પહેલા જ સેશનના અંતે માનુષ મિસ બિનીતાને બદલે માત્ર બિનિતા સંબોધન પર આવી ગયો.

ચબરાક બિનીતાએ એની નોંધ તો લીધી પણ માનુષને જણાવા ના દીધું કે મેં આની નોંધ લીધી છે.

બિનિતા કરતા માત્ર 5% ચબરાક એવા માનુષે આ નહીં લીધેલા વાંધાને લીલી ઝંડી સમજી લીધી!!

“4-4-4 ગોળી ત્રણ વખત લેવાની” એવું સ્ટીકર પ્લાસ્ટિક બોટલ પર મારી બિનીતાનાં હાથમાં થમાવતા માનુષે કહ્યું “કંઈ પણ હોય તો મને ગમે ત્યારે ફોન કરજો” પુરુષના તમામે તમામ સ્પર્શને બખૂબી જાણી લેવાની કુદરતી સૂઝ દરેક સ્ત્રીને કુદરતે આપેલી હોય છે, માનુષના જાણી જોઈને કરવામાં આવેલા સ્પર્શ પાછળનો ઈરાદો તરત બિનિતા કળી ગઈ પણ આવા અસંખ્ય સ્પર્શ દરેક સ્ત્રી જીરવી ચુકી હોય છે એ નાતે એ પણ જીરવી ગઈ.

બીજા જ દિવસે ભર બપોરે 3 વાગ્યે અચાનક બિનીતાનો ફોન રણક્યો અને “બિનિતા કેવું લાગે છે તમને હવે? ઊંઘમાં કોઈ ફેર પડ્યો કે કેમ એ જાણવા ફોન કર્યો છે” સામે છેડે ડો. માનુષ હતાં.

દર્દીએ 7 દિવસ પછી ડોક્ટરને રિપોર્ટ કરવાની પરંપરાથી અવળું જઈને ડોક્ટર ભરબપોરે સામેથી ફોન કરે, એ બિનિતા માટે અજુગતું તો હતું જ, પણ ડો. માનુષ માટે એ અજુગતું નહિ બલ્કે સમજીને ખેલેલું એક જુગટું હતું!! ડો. માનુષને બદલે ડો. મજનૂષ ફોન પર હતાં એ બિનિતા સમજી ગઈ.

“હજી ખાસ ફેર પડ્યો નથી, કામમાં છું પછી વાત કરું” કહી બિનિતાએ ફોન મૂકી દીધો.

બિનિતાએ તરત જ યેલો ડાયલમાં ડો માનુષના રેટિંગ્સ ફરી વાંચવાના ચાલુ કર્યા તો તમામે તમામ રેટિંગ 5/5 હતાં એટલે મન મનાવ્યું કે કદાચ ડોક્ટર “રનિંગ ધ એક્સ્ટ્રા માઈલ” સર્વિસ આપે છે માટે લોકોના રેટિંગ આટલા સારા છે. બુદ્ધિ તો માની ગઈ પણ મનમાંથી એક ખુબ ધીમો પણ મક્કમ અવાજ આવ્યો કે “કઇંક ગરબડ છે”

7 દિવસ થયે બિનિતા ફરી બતાવવા ગઈ તો ડો.માનુષે ફરી પ્રશ્નોની ઝડી વરસાવી પણ આ વખતે ભૂતકાળને બદલે વર્તમાનકાળના પ્રશ્નો વધારે હતા જેમાં ખાસ ફોક્સ “કેટલા વાગે ફ્રી થાવ છો અને નવરાશના સમયે શું કરો છો” એ હતું. અષ્ટમ પષ્ટમ જવાબ આપી બિનિતા નીકળી ત્યારે “ચલો, એક એક સિગરેટ થઇ જાય” નો પ્રસ્તાવ ડો. માનુષે મુક્યો જેનો બિનીતાએ બહુ ઠંડો પ્રતિભાવ “નો થેન્ક્સ” કહીને આપી દીધો.

એ પછીની 7 દિવસ પછીની મુલાકાતમાં બિનીતાએ પહેરેલા સ્લીવલેસ ટોપના ખાસ ભાગ સામેથી નજર નહીં હટાવી શકવાની ડો. માનુષની અશક્તિ જાહેર થઇ ગઈ, ફરી એ દિવસે બોટલ આપતા આપતા હાથ પર કરવામાં આવેલો વિકૃત સ્પર્શ, સિગરેટની ફરી કરેલી પ્રસ્તાવના જાણે જૂની ફિલ્મોનો ધિરજકુમાર સદેહે પ્રગટ થયો હોય.

બિનિતા છંછેડાઈને ત્યાંથી નીકળી પોતાના માનીતા અશોક પાન  હાઉસ પર ગઈ, રાજુ ગલ્લાવાળાએ તરત મેડમની સિગરેટ કાઢીને લાઇટર ધર્યું અને બિનીતાએ લાંબો કશ મારી બાજુની કીટલીએ કટિંગ ચાયનો ઓર્ડર આપ્યો.

આ ડોક્ટરનું શું કરવું એ વિચારી રહી હતી ત્યાંજ મોબાઈલ નોટિફિકેશન ટોન વાગ્યો અને જોયું તો ઇન્સ્ટાગ્રામ પર ડો માનુષની રિકવેસ્ટ આવી!!

અકળાયેલી બિનીતાએ તરત એને ઇન્સ્ટા પર બ્લોક કરી ડો. માનુષની વેબસાઈટ અને યેલો ડાયલ પર જઇને રેટિંગ 0.5/5 આપ્યું અને ડો. માનુષના વર્તન વિષે ઉગ્ર ટીકાઓ પણ કમેન્ટ્સના સ્વરૂપે લખી પણ સમજુ બિનિતાએ એ ધ્યાન રાખ્યું કે એક પણ અપશબ્દ ના વાપર્યો.

માત્ર 3 મિનિટમાં જ ડો માનુષના ફોન પર ફોન ચાલુ થયાં પણ બિનીતાએ એક પણ ફોન ઉપાડ્યો નહિ. રાત સુધી ડો. ફોન કરતો રહ્યો અને બિનિતા અવગણતી રહી.

મોડી રાત્રે મીટ મી ટુમોરો નો મેસેજ આવ્યો જે બિનિતાએ સ્ક્રીન નોટિફિકેશનમાં જ વાંચી લીધો એટલે ડો. માનુષને બ્લુ ટીક ના દેખાઈ.

ડો માનુષ હવે માત્ર રસ્તો નહોતો ભુલ્યો ભાન પણ ભુલ્યો હતો. ડોકટરની ગરિમાને છાજે એવું વાણી વર્તન કરવાને બદલે એક સડક છાપ મજનુને શોભે એવું વર્તન કરવા માંડ્યો હતો. બિનીતાને ફેસબુક પર પણ રિકવેસ્ટ મોકલી આપી જેમાં બિનીતાએ એને તાત્કાલિક બ્લોક કરી દીધો.

ફરી બિનિતા એ ડો. માનુષની વેબસાઈટ અને યેલો ડાયલની વેબસાઈટ જઈ ડો. માનુષ વિશે કોમેન્ટ લખવાનું વિચાર્યું તો બંને વેબસાઈટ પરથી એની લખેલી કૉમેન્ટ્સ ઓથરે એટલે કે ડો. માનુષે ડીલીટ કરી નાખી હતી અને રેટિંગ હટાવી દીધા હતા એટલું જ નહિ પણ બિનીતાનું કસ્ટમર આઈડી પણ બ્લોક કરી દીધું હતું જેથી એ હવે પછી કોઈ કૉમેન્ટ્સ લખી ના શકે.

હવે બિનીતાને સમજાયું કે બધા રેટિંગ્સ 5/5 કેમ હતાં?

એટલામાં એને દૂરથી ડો.માનુષ અશોક પાન પર આવતો દેખાયો. બિનીતાને યાદ આવ્યું કે પ્રિડાયગ્નોસિ હિસ્ટ્રીના નામે આ એ ક્યાં સિગરેટ પીએ છે અને ક્યાં ચા પીએ છે એ બધીજ માહિતી એ ડો. માનુષને આપી ચુકી હતી.

ડો માનુષ આગળ જઈ યુ ટર્ન લઇ ગલ્લે આવે એ પહેલા બિનિતા ત્યાંથી નીકળી અને સીધી મીઠાખળી મહિલા પોલીસ સ્ટેશન ગઈ અને ત્યાં જઈ આખી બીના વર્ણવી. અનુભવી મહિલા પોલીસ ઇન્સ્પેકટર ઉંમરના આ પડાવે અનેક મજનૂઓને પાડી ચુક્યા હતા એટલે જીવન નામની શતરંજમાં મજનુને ચેકમેટ આપતા એમને બખૂબી આવડતું હતું પણ જીવનની આ શતરંજમાં ભારત જેવા પુરુષ પ્રધાન દેશમાં, બચાવ કિંગનો નહીં બલ્કે કવીનનો કરવાનો હોય એ પણ એ બખૂબી જાણતા હતાં.

“બેટા એક કામ કર, એને સામેથી મળવા જા અને છુપી રીતે મોબાઈલમાં બધી વાતચીત રેકોર્ડ કરી લેજે અને શક્ય હોય તો વિડિઓ રેકોર્ડિંગ કરી લેજે પછી અમે છીએ અને એ મજનુ છે, તારું નામ પણ ક્યાંય નહિ આવે અને બીજી દીકરીઓ પણ ભવિષ્યની હેરાનગતિમાંથી બચી જશે” મહિલા પોલીસ ખરેખર કોઈ માનવતાવાદીની અદાથી બોલી રહયા હતા.

પહેલીવાર બિનીતાને પોલીસ શબ્દ માટે માન ઉપજ્યું.

“અહીંયાથી જ ફોન કર બેટા” બિનિતાએ સ્પીકર પર મૂકીને ફોન કર્યો પણ કોણ જાણે કેમ ડો. માનુષને ગંધ આવી ગઈ કે પછી એ બિનીતાનો પીછો કરતો કરતો પોલીસ સ્ટેશન સુધી આવ્યો ગમે તે કારણ હોય એણે ફોન ઉપાડ્યો નહીં અને એ દિવસ પૂરતો બચી ગયો.

બિનિતા ત્યાંથી બહાર આવી તો રિવાજ કે મોડ્સ ઓપરેન્ડી પ્રમાણે બે કોન્સ્ટેબલ પણ છેક બહાર સુધી આવ્યા અને કીધું કે “અમને 25 હજાર આપો સાલાને સીધો દોર કરી નાખીએ” પણ બિનીતાને એ પ્રસ્તાવ ગમ્યો નહિ એટલે પ્રેમથી “પછી જણાવું” કહી ત્યાંથી નીકળી ગઈ.

પછી 3 દિવસ શાંતિ રહી પણ મજનુછાપ માનસિકતામાં એક વાત પાક્કી હોય છે કે એમનું કુદરતી વહેણ માટી ધોવાણને બદલે ચારિત્ર્ય ધોવાણ તરફ હંમેશા વહેતુ હોય છે.

7 દવસ પૂરાં થયા એટલે તરત “આજે સાંજે આવો છો ને?” નો શરારતી ઈમોજી સાથે દ્વિઅર્થી મેસેજ બિનીતાને મળ્યો અને બિનીતાએ તરત મોકો ઝડપીને “હા, આજે સાંજે 5.30 વાગ્યે મળીએ છીએ” નો વળતો મેસેજ કર્યો

બિનિતા હજુ તો ઘરેથી નીકળી જ હતી અને ડો માનુષની રિંગ આવી અને “બિની, મને 10 મિનિટ હજી લાગશે, તું સાડા પાંચને બદલે પોણા છ વાગે આવજે, ઓકે?” કહી મનુષ્ય ફોન મુક્યો.

બિનીતાને કરવામાં આવેલું બીની નું સંબોધન અને તું નું સંબોધન એની લાગણીની ઇમારતના કેટલાયે પાયા હચમચાવી ગયું, કેમ કે બીની કહેવાનો હક એણે માત્ર એના એક્સને જ આપ્યો હતો. ભલે બ્રેકઅપ થઇ ગયું પણ યાદો અકબંધ હતી અને એના જીવનની એ મહામુલી મૂડી પણ હતી.

પ્રોફેશનલ મર્યાદા ઓળંગી જ્યારે “મિસ બિનીતા” થી “બિનિતા” અને બિનીતાથી બીની અને “તમે” થી “તું” ની લક્ષ્મણ રેખાઓ ડો માનુષે ઓળંગી ત્યારે એ ભૂલી ગયો કે આ એનું ગામ નથી અને પોતે એ ગામનો સામાન્ય છોકરો નથી. હવે એ ડોક્ટર છે અને એવું વાણી વર્તન વ્યવહાર ડોક્ટરને અનુરૂપ હોવા જોઈએ.

ધૂંઆપૂંઆ થયેલી બિનીતાએ એના ક્લિનિકમાં પગ મુકતાં જ ધડ દઈને બારણું ધકેલ્યું અને પછી સતત સવા તેર મિનિટ સુધી મશીનગનમાંથી ગોળીઓની વણઝાર નીકળે તેમ રફ્તાર સાથે કોન્વેટના અંગ્રજી શબ્દોની હારમાળા વછૂટતી ગઈ અને…

કોન્વેન્ટની ધાણીફૂટ વોકેબ્યુલરી સામે ગામડાનો અટકી અટકીને આવતો શબ્દકોશ હારી ગયો.

કોન્વેટના અંગ્રેજી સામે ગામડાનું ગુજરાતી હારી ગયું.

કોન્વેન્ટના કોન્ફિડન્સ સામે ગામડાનો ગગો હારી ગયો.

કોન્વેટના ક્લચર સામે ગામડુ વલ્ચર સાબિત થયું.

કોન્વેટના બેધડકપણા સામે ગામડુ ધીબાઈ ગયું.

કોન્વેન્ટની કવીન સામે ડોક્ટર પ્યાદું સાબિત થયું.

કોન્વેન્ટની બીકોમ રીપ્રેઝન્ટેટિવ સામે એમ.ડી. હોમીઓપેથીનો રીપ્રેઝન્ટેટિવ વામણો સાબિત થયો.

સ્ત્રીની અંદરના સુર સામે પુરુષની અંદરનો અસુર હારી ગયો.

એ સાંજ વસ્ત્રાપુર તળાવના એ કોમ્લેક્ષના રહીશો અને ઓફિસવાળા માટે યાદગાર સાંજ રહી જાણે દુર્ગા અષ્ટમી અને રાવણ દહન એક સાથે ઉજવાતા હતાં!!

જેમ જેમ એક્ચ્યુઅલ વર્લ્ડની ભીડ ભેગી થતી ગઈ તેમ તેમ ડોક્ટર માનુષની વર્ચ્યુઅલ વર્લ્ડની ભેગી કરેલી ઈજ્જત ઉતરતી ગઈ, જાણે માધુરી દીક્ષિત અભિનીત ગુલાબ ગેંગ સદેહે હાજર થઇ ગઈ હોય.

અનેક લોકોના મનમાં બિનીતાનું છેલ્લું વાક્ય ગુંજતું હતું અને સદાય ગુંજતું રહેશે કે…

“હું એપ્રોચેબલ છું એનો અર્થ એ નથી કે હું અવેલેબલ છું”

અસ્તુ

(કથા બીજ: ડો. ભાવિતા ટેલર – બરોડા)

નોંધ: તમામ પાત્રોના નામ, સ્થળ, લાયકાત કાલ્પનિક છે. કોઈ જીવિત યા મૃત વ્યક્તિ કે ઘટના સાથે સરખાપણું એ માત્ર સંયોગને આધીન હોઈ શકે.

બિઝનેસ લર્નિંગ:

  1. તબીબીએ વ્યવસાય (Profession) છે, ધંધો (Business) નહીં, ધંધામાં ધંધાદારી બની શકાય પણ વ્યવસાયમાં તો પ્રોફેશલિઝમ જાળવવું પડે.
  2. જે હરકતો 21 વર્ષે વિદ્યાર્થી તરીકે કરી શકો એ હરકતો 41 વર્ષે કોઈ પણ પ્રકારે ના કરવી.
  3. પેશન્ટનું જજમેન્ટ તબીબીશાસ્ત્રના લખેલા નિયમોને આધીન લેવાનું હોય નહિ કે તમારી માન્યતાઓને આધારે.
  4. પ્રોફેશનલિઝમમાં ફિમેલ ક્લાયન્ટના ગળાની નીચે ક્યારેય નજર ના જવી જોઈએ. ચોરી છુપ્પી પણ નહીં. કેમ કે સ્ત્રીને તમારી સામે જોયા વગર તમે ક્યાં જુઓ છો તે પારખી લેવાની અદભુત કુદરતી દેન હોય છે.
  5. કોઈ પણ પ્રોફેશનમાં ક્લાયન્ટે આપેલી અંગત માહિતીનો ઉપયોગ અંગત ફાયદા માટે ના કરવો.
  6. કોઈ પણ સ્ત્રી ફોરવર્ડ છે માટે ચરિત્રની ખરાબ છે એમ ધારી ના લેવું.
  7. કોઈ પણ વ્યવસાય ચાલુ કરતાં પહેલા એના એથિક્સ અને કોડ ઓફ કંડકટ્સને વફાદાર રહી પાલન કરવાના સોગંધ ખાધા હોય છે તેનું ગંભીરતાથી પાલન કરવું.
  8. કોઈ પણ વ્યવસાય ચલાવવા માટે વ્યવસાયની સ્કિલ અને સોશીયલ મીડિયા સ્કિલ ઉપરાંત હ્યુમેન સ્કિલ જેને સોફ્ટ સ્કિલ્સ કહેવાય પણ શીખવી પડે.
  9. સોશિયલ મીડિયા રેટિંગ એ તમારી કાર્યકુશળતાનું માપ છે, એમાં છેડછાડ કરીને અસ્થાયી રીતે નામ તો કમાઈ લેશો પણ લાંબે ગાળે એ છેડછાડ કેરિયર સાથેની છેડછાડ સાબિત થશે.
  10. સિવાય અન્ય કોઈ લર્નિંગ આપના ધ્યાનમાં હોય તો કમેન્ટ્સ બોક્સમાં લખશો

******************

BizTea ના ફાઉન્ડર અને બિઝનેસ કોચ દીપક મકવાણા દ્વારા આ પ્રસંગ કથા બીજ વડોદરાના ડો ભાવિતા ટેલર પાસેથી મેળવીને આલેખાયો છે. બિઝનેસના જટિલ કૂટપ્રશ્નોને ખૂબ સરળ ભાષામાં સમજાવવા એ તેમની આગવી ઓળખ છે. નાના પણ વાસ્તવિક પ્રસંગો થકી મળતું બિઝનેસ લર્નિંગ સામાન્ય બિઝનેસમેનથી લઈને એન્ટરપ્રાઈઝ લેવલની CXO ટીમને આકર્ષે છે.

બિઝનેસની મોટી બારાખડીથી લઈને નાની બારાખડી સુધીની તમામ વિગત જાણે માનીતા શિક્ષક પાસેથી શીખતા હોઈએ એ સરળતાથી પચાવી શકાય એ રીતે રજૂ કરવામાં તેઓ માહેર છે.

તેઓ છેલ્લા ૨૩ વર્ષથી બિઝનેસ કોચિંગ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ એશિયાનું સર્વપ્રથમ કન્ટીન્યુઅસ બિઝનેસ લર્નિંગ પ્લેટફોર્મ BizTea સકસેસફૂલી ચલાવી રહ્યા છે. જેમાં તેઓ અનેક આંત્રપ્રિનિયોર્સ અને બિઝનેસમેન કક્ષાના વ્યક્તિઓને પોતાના અનુભવનો અર્ક વહેંચે છે અને તેમની સફળતામાં પોતાના જીવનનો સંતોષ માને છે.

 

શ્રી દીપક મકવાણાનો આપ અહીં સંપર્ક કરી શકો છો.

# મોબાઈલ 98251 68222

# ઇ-મેઈલ dkmakwana@yahoo.com

 

 

 

 

 

 

 

17 thoughts on “શતરંજની રાણી

  1. Good story telling as always sir. The story clearly highlights how professionalism should be maintained at all costs. Also how social media can be deceitful and misguiding

  2. Very sharp and interesting story to read and learn during your professional business. Always respect women in each and every profession that message is conveyed very carefully.

  3. It should be clear what we should do in professional and personal life, other wise what happened that tells this story, Good Story and learning points Sirji, Thanks

  4. Nice depiction with appropriate words. Lesson thru story is more interesting. Keep it up, Deepakbhai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *