Blog

ઈંગ્લીશ બોલતો લુખ્ખો

ઈંગ્લીશ બોલતો લુખ્ખો

“તમારી જન્મ તારીખ અને સિગ્નેચર એમ કહે છે કે તમે તમારુ ધાર્યું કરીને જ રહેશો, તમે કોઈને ગાંઠશો નહિ અને એમાં તમને નુકશાન પણ ખુબ જશે”

19 વર્ષના રિસર્ચ પછી જન્મ તારીખ અને સિગ્નેચર પરથી પથ્થરની લકીરની જેમ વ્યક્તિત્વના પાસાઓ કહી દેતા અમદાવાદના ગ્રાફોલોજિસ્ટ સરે સામે બેઠેલા યુવાનને કહ્યું.

ચેતી જવાને બદલે પોરસાતા પોરસાતા મગરૂરી ભર્યો જવાબ આવ્યો “એ તો હું નાનપણથી જ એવો છું કોઈને ગાંઠતો જ નથી”

આ સંવાદ પાછળનું મૂળ કારણ ફેબ્રુઆરી 2021માં પ્રિયેશભાઈના ત્યાં મળેલી મિટિંગના નીચે મુજબના સંવાદો હતાં.

“સર, હવે આપણે પેટર્ન બદલીયે. લોકોના વાયદાઓથી છેતરાવા કરતાં થોડા કડક થવું સારું” નિલેશભાઈએ અભિપ્રાય આપ્યો.

“હા સર, હવે આપણે સાચા અર્થમાં ડિજિટલ થઈએ” મિતુલભાઈ બોલ્યા

“મને પણ એવું લાગે છે કે કેટલા લોકો આવવાના છે એ પહેલેથી જ ખબર હોય તો તે પ્રમાણે હોટેલની વ્યવસ્થા કરવાની મને ફાવે” આશિષભાઈ બોલ્યા.

“કેવી રીતે નક્કી થાય કે આવતા પ્રોગ્રામમાં કેટલા લોકો આવશે?”  સરે પૂછ્યું

“અરે બહુ સિમ્પલ છે સર, આપણે જેટલા લોકોએ પ્રોગ્રામમાં આવવાનું હોય એ બધાને ઇન્ટરનેટથી પેમેન્ટ કરવાનું કહીએ, જેમનું પેમેન્ટ આવે એમની સીટ કન્ફર્મ ગણવાની અને જો કોઈ સીધું પ્રોગ્રામમાં આવીને ઊભું રહે તો ડબલ ચાર્જ લેવાનો” લક્કડભાઈએ કીધુ

“પણ ઇન્ટરનેટથી પેમેન્ટ લેવાનું કેવી રીતે?”  સરે પૂછ્યું

“આપણા બેન્ક એકાઉન્ટ સાથે G-pay અને Paytm જોડી દઈશું લોકો સીધા તેની પર પેમેન્ટ કરી દેશે.” બોબીભાઇએ કીધું

“OK, સૌ પોતપોતાના બેંકના અનુભવ અને અભિપ્રાય પ્રમાણે સૂચન કરો કે કઈ બેંક ખાતુ ખોલાવવું જોઈએ” સરે કહ્યું.

અમદાવાદ શહેરના એક ખૂબ જાણીતા ગ્રાફિક ડિઝાઈનર પ્રિયેશ સંઘવીના ત્યાં ઉપરોક્ત સંવાદ સાંજે 6.30 ના સુમારે ચોળાફળી અને ચાની મહેફિલ સાથે ચાલી રહ્યો હતો. જેમાં ભાગ લેનારા બધા એક સંસ્થા સાથે જોડાયેલા હતાં.

આ સંસ્થા શહેરના ઘણા બધા ઉદ્યોગપતિઓને તેમનો બિઝનેસ કેવી રીતે વધારવો એના માટે ખુબ સરસ કોચિંગ બે-ત્રણ વર્ષથી આપી રહી હતી, એટલે દરેક જણ પોતાનુ સમજીને સંસ્થાને મદદ કરવા તત્પર હતાં.

નેશનલાઈઝ અને પ્રાઇવેટ એ બેમાંથી સારી સર્વિસ મળે તે માટે પ્રાઇવેટ સેક્ટરની બેંક પસંદ કરવાની વાત આવી અને અંતે અંગ્રેજીમાં પાંચ અક્ષરની જોડણી ધરાવતી બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવવું તેવું નક્કી થયું.

હાર્દિકભાઈ એ તરત જ કહ્યું કે “મારો એ બેંકમાં બહુ સારો સંપર્ક છે તો આપણે એ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવીએ, હું આજે જ એમના રીપ્રેઝન્ટેટિવને ફોન કરીને બોલાવી લઉં છું.

નક્કી થયા મુજબ રીપ્રેઝન્ટેટિવ સ્મિત જોશી સાથે સરની વાત કરાવી. સ્મિતે સરને ફોન પર જ કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તેની આગોતરી જાણ કરી.

સરે પણ કહ્યું કે “તમે કીધા એ તમામ ડોક્યુમેન્ટ્સ, સિક્કો અને રૂ. 25,000/- નો ચેક તૈયાર છે, તમારી 10 મિનિટથી વધારે નહિ બગડે”

“સારું સર તો 4 વાગ્યે તમારે ત્યાં પહોંચું છું” સ્મિતે કહ્યું.

4 વાગ્યા,સાડા ચાર થયા, પોણા પાંચ અને અંતે 6 વાગ્યા, ના સ્મિત જોશી આવ્યો, ના એનો ફોન આવ્યો!!

આટલું બધું અનપ્રોફેશનલ બિહેવિયર અપેક્ષાથી વિરુદ્ધ હતું એટલે સરે સામેથી સ્મિતને ફોન કર્યો તો લગભગ 13 મી રિંગે ફોન ઉપાડ્યો અને “રસ્તામાં છું” એમ નાની કંપનીના છુટમુટ સેલ્સમેન જેવો જવાબ આપ્યો.

પોણા સાતના સુમારે સ્મિતની પધરામણી થઇ.

ભારતીયો ચામડીના જે રંગ માટે મરે એવો ગોરો રંગ ભગવાને છૂટથી સ્મિતને આપ્યો હતો અને ભારતીયોને ગોરા માણસને સારો સમજી લેવાની સદીઓ જૂની ટેવ છે. આમ પણ જ્યા સુધી કોઈ બદમાશી બહાર ના આવે ત્યાં સુધી તો બધા સજ્જન જ હોય ને(!)

સરને અપેક્ષા હતી કે આટલી બધી નામચીન બેન્કનો રિપ્રેઝન્ટેટિટીવ આવીને તરત જ મોડા પડવા બદલ પ્રોફેશનલ ઢબથી માફી માંગશે પણ સ્મિતે તો ટ્રાફિક કેટલો હતો ને આગલા કસ્ટમરના ત્યાં કેટલી વાર લાગી એની વાર્તા કરવા માંડી. MBA કોલેજમાં છોકરાઓને તૈયાર કરવામાં જીવનના 2 દાયકા કાઢી ચુકેલા સરને એની વાતો હાસ્યાસ્પદ કરતાં આઘાતજનક વધુ લાગી.

સરે તૈયાર રાખેલા તમામ ડોક્યુમેન્ટ્સ એને હવાલે કર્યા અને સામે એણે બેગમાંથી ફોર્મ કાઢી ધડાધડ સિક્કા મારી કહ્યું કે “આ બધે તમારી સહી કરો” તદ્દન રુક્ષ અવાજે કહેવાયેલી આ વાત પ્રક્રિયાના ભાગ કરતાં યે હુકમ જેવી તોછડી વધારે લાગી.

29 વર્ષની પ્રોફેશનલ લાઈફમાં માત્ર 2 વખત મોડા પડેલા સર, 7.30 વાગ્યાના ઝૂમ સેમિનારમાં મોડા ના પડાય એટલા ખાતર ચુપચાપ સહી કરી અને વાત થયા મુજબ રૂ. 25,000/- નો ચેક ધર્યો.

“ચેક તો લાખ રૂપિયાનો આપવો પડશે, એનાથી ઓછું અમે નથી લેતાં” જાણે ઉઘરાણીએ નીકળેલો કોઈ લુખ્ખો બોલતો હોય એમ સ્મિતે કહ્યું.

“પણ ફોન પર તો આપણી વાત થઇ હતી કે ચેક 25 હજારનો આપવાનો છે” સરે કહ્યું.

“એ તો પેલા ભ’ઈ બોલતા હતા, મેં ક્યાં કીધું?” ગોરા વ્યક્તિની અંદરનું કાળુ વ્યક્તિત્વ બહાર આવવા માંડ્યું.

“અરે પણ તમે ફોન પર કીધું હોત તો હું બીજી કોઈ બેન્કવાળાને બોલાવતને?” સર હવે અકળાયા.

“આ તો તમે કીધું એટલે હું આયો છું, બાકી અમે તો 1 લાખની નીચેનું એકાઉન્ટ ખોલતાં જ નથી, ઉપરથી ઓર્ડર જ નથી” મગરૂર સ્મિતે પહેલા ફાયદા પછી વાયદા અને છેલ્લે કાયદા બતાવવાની વર્ષો જૂની પદ્ધતિ અનુભવી સર આગળ અપનાવી.

ગોરી ચામડીની નીચે માત્ર વ્યક્તિત્વ જ કાળુ નથી, સંસ્કારોનો પણ અભાવ છે એ સરને સ્પષ્ટ સમજાયું પણ “માત્ર ઇન્ટરનેટ બેન્કિંગ કરવાનું છે, બેંકમાં રૂબરૂ જવાનું નથી” એ વાતની સુપેરે ખબર હોવાથી આ વસ્તુની અવગણના કરતા સરે અવાજમાં થોડી સત્તા ઉમેરી કહ્યું “આ રૂ. 25,000/- નો ચેક છે અને એ જ એકાઉન્ટ માટે પ્રોસેસ કરવાની છે. કવેરી આવશે તો હું ફોડી લઈશ”

ના છૂટકે 25 હજારનો ચેક સ્વીકારી સ્મિતે થેંક્યુ કીધા વગર ચેક બેગમાં નાખ્યો અને સરને એક અનપેક્ષિત સવાલ પૂછ્યો “હું અને મારો ભ’ઈ અહીંયા PG માં રહીયે છીએ અને જમવાની ખુબ તકલીફ પડે છે તો તમે કોઈ ટિફિનવાળા ધ્યાનમાં હોય તો જણાવશો?”

પરગજુ સ્વભાવને કારણે અનેક લોકોને મદદ કરી ચૂકેલા સરે તરત જ પોતાના ફોનમાંથી નમ્બર આપ્યો અને કીધું કે “મારું નામ લેજો તો વધારે સારી સેવા આપશે”

“ઓકે, એક બે દિવસમાં મેડમ સાઈટ વિઝીટ માટે આવી જશે” કહીને સ્મિતે વિદાય લીધી.

એ ઘડી ને એ દિવસ, સળંગ 13 દિવસ સુધી ના કોઈ સાઈટ વિઝીટ માટે આવ્યું, નો સ્મિતનો કે કોઈનો ફોન આવે કે ના પેલો ચેક ક્લિયરિંગમાં નખાય.

સરે, 2-3 ફોલોઅપ કોલ સામેથી કર્યા તો “વિઝીટ પર આવનાર મેડમને કોરોના થયો છે” વાળું 2021 નું સદા સુહાગન બહાનુ સ્મિતે કાઢ્યું.

આખરે કંટાળીને સંસ્થાના હાર્દિક કાપડિયાએ સ્મિતને 5-6 વખત ફોન કર્યો તો “હજી એક બે દિવસ લાગશે” ની ફિક્સ રેકર્ડ વગાડ્યે રાખી.

થોડા દિવસ એ રેકર્ડ સાંભળ્યા પછી સંસ્થાના મિથુન જથલ કે જે ફાઈનાન્સની બાબતોમાં આગવી સૂઝ ધરાવે છે તેમણે સ્મિતને ફોન કર્યો તો “તમે કોણ બોલો છો?, હું તમારી સાથે વાત નહિ કરું, હું સર સાથે વાત કરીશ અને મારી વાત ચાલુ જ છે, મેં સરને બધી જ વાત કરી છે” આવી તદ્દન જૂઠી માહિતીનો ઢગલો એ તળિયાના માણસે કરી દીધો.

સામે પક્ષે મિથુનભાઈ પણ ગાંજ્યા જાય એવા નહોતા. એમણે કહ્યું કે “તમે આ રીતે અનપ્રોફેશનલી કેમ વાત કરો છો?”

ધડ દઈને સ્મિતે છેલ્લી કક્ષાએ જતા કહ્યું કે “સાંજે 7.30 પછી ફોન ઉપાડીને વાત કરું છું એ પણ અનપ્રોફેશનલ છે, બાકી તો તમારી સાથે તો વાત પણ ના કરું”

મિથુનભાઈની વાત હજી ચાલું હતી અને સ્મિતે ફોન કાપી નાખ્યો. જાણે સમી સાંજે ઝૂલે ઝૂલતા ચાની ચુસ્કી માણતા હતાં અને અચાનક ઉકરડાની ટ્રક નીકળી.

મિથુનભાઈએ તરત્ એ પાંચ અક્ષરની બેન્કની ઉચ્ચ ઓથોરોટી સાથે વાત કરી અને સ્મિતે કરેલી ઉદ્ધતાઈ અને અનપ્રોફેશનાલિઝમની વાત કરી. સંસ્કારોથી ભરેલા અને પ્રોફેશનાલિઝમનું મહત્વ સમજતા ઉચ્ચ કક્ષાના અધિકારીએ તરત બેન્ક વતી માફી માંગી અને કહ્યું કે “માત્ર 16 કલાકમાં એટલે કે સવારે 10 વાગ્યે તમારા ત્યાં બીજો એક રીપ્રેઝન્ટેટિવ મોકલી આપું છું”

તાત્કાલિક ચક્રો ગતિમાન થયા, સ્મિત પાસેથી તમામ ડોક્યુમેન્ટ્સ છીનવી લેવામાં આવ્યા અને એને બીજા એક રીપ્રેઝન્ટેટિવ રાજેશને હવાલે કરવામાં આવ્યા.

રાજેશ ખુબ સારી રીતે ટ્રેનિંગ પામેલો, ધંધામાં અને કેરિયરમાં કસ્ટમરનું મહત્વ સમજતો અને ખાસ તો સંસ્કારોથી છલકતો તરવરીયો છોકરો હતો.

એણે વાયદા પ્રમાણે સવારે બરાબર 10 ના સુમારે હાજર થઇ, તમામ ફોર્માલિટી પતાવી, ફોટા પાડીને સિનિયરની સાઈટ વિઝીટ પણ કરાવી દીધી અને બાકીની પ્રક્રિયા પણ પૂર્ણ થઇ ગઈ અને એકાઉન્ટ ઓપનિંગનો મેસેજ, એકાઉન્ટ નંબર અન્ય અને જરૂરી વિગત સાથે સરને વૉટ્સએપ પણ કરી દીધો.

સરે અને સંસ્થાના અન્ય સભ્યોએ રાજેશની આ પ્રોફેશનલ કામગીરીથી ખુશ થઈને અન્ય 4 રેફરન્સ પણ આપ્યા.

સ્મિત પર ખાતાકીય પગલાંની તલવાર તોળાઈ રહી છે અને રાજેશનું નામ પ્રમોશન અર્થે વિચારાઈ રહ્યું છે.

તમારી જન્મ તારીખ અને સિગ્નેચર એમ કહે છે કે તમે તમારુ ધાર્યું કરીને જ રહેશો, તમે કોઈને ગાંઠશો નહિ અને એમાં તમને નુકશાન પણ ખુબ જશે ની ગ્રાફોલોજિસ્ટ સરે કરેલી ભવિષ્યવાણી માત્ર અડધો કલાક્માં જ સાચી પડી!!

–અસ્તુ.

(કથા બીજ: વિશાલ શાહ, અમદાવાદ)

(કથામાં તમામ પાત્રો કાલ્પનિક છે.અને ફોટા પ્રતીકાત્મક છે. કોઈના જીવન સાથે બંધ બેસતું હોવું એ માત્ર અને માત્ર સંયોગ હોઈ શકે)

**************

બિઝનેસ લર્નિંગ:

1) રિક્રુટમેન્ટ કરતી વખતે જો માત્ર શૈક્ષણિક લાયકાત જોવામાં આવે તો ઈંગ્લીશ બોલતો લુખ્ખો તમારા ઓર્ગેનાઇઝેશનમાં ઘુસી શકે.

2) વ્યક્તિનું ચારિત્ર્ય અને વર્તનને પહેલેથી ભાખી શકતા ગ્રાફોલોજી જેવા ઘણા સચોટ સાઈકોલોજિકલ ટૂલ્સ માર્કેટમાં ઉપલબ્ધ છે એનો રીક્રુટમેન્ટમાં બખૂબી ઉપયોગ કરવો.

3) શૈક્ષણિક લાયકાત માત્ર નોકરી મેળવી આપે છે, એમાં ટકવા માટે અંતે તો સંસ્કારો જ કામ આવે છે.

4) કસ્ટમર પાસેથી પૈસા કઢાવવા એ સૌથી કુનેહનું કામ છે, જો એમાં ઠાવકાઇ અને પરિપક્વતા ના દાખવી તો કસ્ટમર હાથમાંથી જતો રહેશે.

5) પૈસાની બાબતમાં એક જ મોઢેથી બોલાયેલી 2 અલગ અલગ રકમ કસ્ટમરને છેતરાયાની લાગણી કરાવે છે.

6) છેતરાયેલો કસ્ટમર જેટલું નુકશાન તમારી બ્રાન્ડને કરાવી શકે એટલું બીજું કોઈ ના કરી શકે.

7) દરેક ઓર્ગેનાઇઝેશનમાં મેનર્સ અને એટીકેટ્સની ટ્રેઇનિંગ વર્ષમાં 2 વખત થવી જ જોઈએ.

8) ટેક્નિકલ સ્કિલ્સ અને હાર્ડ સ્કિલને વેચવામાં માટે અંતે તો સોફ્ટ સ્કિલ્સ જ કામ આવે છે.

9) તમારા ઓર્ગેનાઇઝેશનમાં તો કોઈ સ્મિત જોશી કામ નથી કરતોને? સ્મિત જેવા લોકો માત્ર ઓર્ગેનાઈઝેશન નહિ પણ આખી ઇન્ડટ્રી માટે દુષણ છે. તેમને જેટલા વહેલા સિસ્ટમમાંથી દૂર કરાય એટલું સારું.

10) આપને ભૂતકાળમાં અન્ય કોઈ કંપનીનો સ્મિત ભટકાયો હોય તો અહીં શેર કરશો.

*******

ગ્રાફોલોજી એ રિક્રુટમેન્ટ માટે કામમાં આવતું એક મનોવૈજ્ઞાનિક ટુલ છે. વ્યક્તિનું ચરિત્ર અને સ્વભાવ, વ્યક્તિની ક્ષમતા અને ઝુકાવ એ તરત કહી શકે છે અને કોઈ કોઈ કિસ્સામાં તો ભવિષ્ય સુધ્ધાં ભાખી શકાય છે.

બિઝટી ના ફાઉન્ડર અને CEO શ્રી દિપક મકવાણા એક નિષ્ણાત ગ્રાફોલોજિસ્ટ છે અને સેંકડો બિઝનેસમેનને ગ્રાફોલોજી દ્વારા બિઝનેસ કેવી રીતે વધારવો તેનું માર્ગદર્શન અંગત રીતે અને સેમિનાર દ્વારા પ્રોફેશનલી આપી ચુક્યા છે.

તેમનો સંપર્ક 98251 68222 પર કરી શકાય છે.

14 thoughts on “ઈંગ્લીશ બોલતો લુખ્ખો

  1. Just Amazing interpretation of the whole episode..lot of learning from every day dealings we do..one should have the eye and sense to evaluate every customer.. etiquette and manners of dealing is very important.. . To understand importance of our own time and others..Time is money..above all..Biztea is Super in Team work..A lovely Family for me and lucky to be a part of Biztea.

  2. ઘણી જગાએ આવા ભણેલા રોબોટ ભટકાય છે. એની ઓળખવાની detail આ કેસ સ્ટડી પરથી ખ્યાલ આવે છે. ખૂબ સરસ .. sir..

  3. Ha mane aavo ek smit bhatkayo to. Nexa ni new car levani hati ane loan ni process ma thodi var lagi to ae emno senior sales person ae evo javab aapyo ke tevad nathi ne gadi leva nikli padya 6o pa6i hu ene same bolyo to mane em kidhu ae unprofessional manse ke tame koe pan nexa mathi car nae lay sako hu tamara name ni badhe red line maravi daes…
    Aava educated pan sanskar ma zero eva smit kyak ne kyak mali j jay 6e.
    Aabhar….

  4. સ્વભાવ ની નમ્રતા અને કામ પ્રત્યે ની નિષ્ઠા નો પાઠ શીખવા મળ્યો… 🙏

  5. awesome interpretation of whole stories and thank you for sharing your valuable knowledge for this topic so that big thank you sir.

  6. આવા અનુભવ ઘણીવાર થતાં રહે છે. SBI આવી જ બેદરકાર કામગીરીથી કંટાળીને અમે વર્ષો જૂના ખાતા બંધ કર્યા.

  7. એક અગ્રણી બેંક માં મારા સુપુત્ર નું સગીર(માયનોર) એકાઉન્ટ સ્કૂલ ની ફી ભરવા ખોલાવ્યું હતું,
    બેંક વાળા અચાનક ત્રણ મહિના પછી દર મહિને રૂ! ૫૦૦ /- કાપવા લાગ્યા ત્યારે ખબર પડી કે બાર વર્ષ ના બાળક નું માઈનોર એકાઉન્ટ મારી સાથે કોઈપણ ચર્ચા કર્યા વગર મિનીમમ 50000/- બેલેન્સ ના ક્રાઇટેરિયા વાળું ખોલવામાં આવ્યું હતું.
    છેલ્લે મેં મારા બે પ્રયોરીટી એકાઉન્ટ અને એક કરંટ એકાઉન્ટ એ બેંક માં થી બીજી બેંક માં સીપ્ટ કરી દીધા…એક ગેરજવાબદાર વ્યક્તિ ને કારણે બેંક ને ચાર એકાઉન્ટ ગુમાવવા નો વારો આવ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *