Blog

97 કિલોની કાયા અને 1 લાખનો ડીડી

“બેન, આવું કે અંદર?”

ખોડાએ શેઠના વૈભવી બંગલામાં કમ્પાઉન્ડમાં પ્રવેશી મુખ્ય દ્વારે ઉભા રહીને શેઠાણીને ઉદ્દેશીને વિવેક દાખવ્યો.

“અક્કલ બકકલ છે કે નહીં?? કામના ટાઈમે માથે આવીને ઊભો રહી જાય છે તે, કંઇ ભાન બાન પડે છે કે નહીં, ઇડિયટ જેવો” શેઠાણી તાડુક્યા. પણ અંદર આવવાની રજા છે કે નહીં એ તો કોયડો જ રાખ્યો.

ખોડો સહેજ પણ વિચલિત ના થયો!! આ તો અપેક્ષિત હતું, બલ્કે અપેક્ષા કરતાં ઓછું હતું!

શેઠના ત્યાં નોકરી એ લાગ્યો ત્યારે જ બાકીના કારીગરો અને ટેમ્પાવાળા ડ્રાઈવરો એ ત્યાંની પરંપરા પ્રમાણે અનઓફિશિયલ ટ્યુશન આપી દીધેલું. જેમાં ડુ’ઝ એન્ડ ડોન્ટ્’સનું લાબું લચક લિસ્ટ હતું. એમાંય સ્પેશીયલ ધ્યાન રાખવાની બાબત તરીકે શેઠના ઘરે જાવ ત્યારે અભિમાનથી છલકાતી અને તોછડાઈથી તરબતર એવી શેઠાણી દ્વારા કેવું સ્વાગત, કેવા શબ્દોથી થશે અને એ સાંભળીને મન પર શું વીતશે અને એ કડવાશથી કેવી રીતે દૂર રહેવું એનું તો અલગ પ્રકરણ હતું. (આને કોર્પોરેટ કલ્ચરમાં ઓરીએન્ટેશન ટ્રેઇનિંગ કહેવાય)

ફેકટરી અને ઑફિસના લગભગ બધા જ કારીગરો, મજૂરો, ડ્રાઈવરો, વોચમેન, પટાવાળા, મેનેજર, એકાઉન્ટન્ટ સુધ્ધાં શેઠાણીની ચચરાટી ઉપજાવતી વાણી ચાખી ચુક્યા હતાં.

અરે 3 ચોપડીએ પણ ના પહોંચી શકેલી આ 97 કિલોની કાયા, ઓફિસની ભણેલી ગણેલી એકાઉન્ટન્ટ કે મેનેજર લેવલની પોસ્ટ ધરાવતા અને ફાંકડું ઈંગ્લીશ બોલતાં MBA ને પણ ધોઈ નાખતાં અચકાતી નહીં. એટલે ખોડો શારીરિક રીતે ભલે પહેલીવાર શેઠના આંગણે આવ્યો હોય પણ માનસિક રીતે અનેક વાર લોકો પાસે સાંભળી સાંભળીને આ ઘટનાનો સાક્ષી બની ચુક્યો હતો, મનમાં ને મનમાં આને અનુભવી ચુકયો હતો (આને કોર્પોરેટમાં વર્ચ્યુઅલ ટ્રેઇનિંગ કહેવાય) એટલે ખોડાને જરા પણ આઘાત ના લાગ્યો. પણ એક પ્રશ્ન જરૂરથી થયો કે “આટલા ભલા શેઠ બિચારા કેમના આની સાથે રહેતા હશે?”

એ વિચારમાં જ હતો અને ત્યાંજ શેઠની ગાડીનું હોર્ન વાગ્યું. શેઠ ઘરે જમવા આવ્યા હતાં. ફટાફટ વૉચમેને દરવાજો ખોલ્યો, ગાડી અંદર આવતાં જ ડ્રાઈવરે ગાડીનો દરવાજો ખોલ્યો અને શેઠે તરત ડ્રાઈવરને “દિનુ કાકા તમે પણ જમી લે જો, ટિફિન લાવ્યા છોને? નહીં તો અહીં જ રસ રોટલી જમી લ્યો” કીધું પણ દીનુ કાકાએ અદબથી ના પાડી.

“અરે ખોડા, બેટા કેમ અહીં? અને બહાર કેમ ઉભો છે, આવ આવ અંદર આવ” શેઠે ખોડાને જોતા જ આવકારો આપ્યો. શેઠાણીના મનના માવઠા પછી શેઠની હૈયાની હેલી ખૂબ શાતાદાયક લાગી. પણ પોતાની મર્યાદા સારી રીતે સમજતા ખોડાએ “ના, ના શેઠ. પેલા બોક્સ લઈને ફેક્ટરીએ પહોંચાડવાના છે એ લેવા આવ્યો છું, સાંજે 4 વાગે તો માલ રવાના કરવાનો છે” ખોડાએ ત્યાંથી ભાગી છૂટવાના તમામ શસ્ત્રો એક સાથે ઉગામ્યા.

“અરે પણ, અંદર તો આવ, બેસ તો ખરો, ઠંડુ બંડુ તો પી, આટલા તાપમાં એમને એમ થોડું જવાય” જીવતરને ઘોળીને પી ગયેલા શેઠને, ઘરની અંદર નહીં આવવાના ખોડાના ખચકાટ પાછળનું કારણ અજાણ્યું નહોતું.

શેઠના આગ્રહ સામે ખોડાએ હથિયાર હેઠા મુક્યા, અચકાતા પગલે ઘરમાં દિવાન ખાનામાં પ્રવેશ્યો. અંદરના વૈભવી રાચરચીલા અને કિંમતી પરદા સાથે પોતાના 11 વર્ષથી પહેરાતાં ખમીસની અજાણતા જ સરખામણી થઇ ગઇ.

“બેટા, પાણી આપજો” શેઠનો મૃદુ અવાજ સાંભળી તરત એક નોકર પાણી લઇ આવ્યો (શેઠ બધા નોકરોને હંમેશા બેટા કહીને જ સંબોધન કરતાં) અને શેઠે તરત એને “ઠંડુ લાવજો બેટા” નું પણ ફરમાન કર્યું.

“શેઠાણી, શેઠે પેલા ડ્રાઈવરને સોફે બેસાડ્યો બોલો અને પાછું એના માટે ઠંડુ પણ મંગાવે છે” શેઠાણીના ચાંપલા અને વ્હાલા જાસૂસે સ્ફોટક માહિતી આપી.

“આરામથી બેસો ને” એમ 3-4 વખત કહેવાયું હોવા છતાં પોતાના મેલા કપડાથી સોફા કદાચ ગંદા થઇ જશેની બીકે ખોડો બિચારો છેક સોફાની કિનારીએ જ બેસી રહ્યો. એના કાને ફ્રીઝમાંથી બોટલ કાઢવાનો અવાજ, ગ્લાસમાં શરબત રેડાવાનો અવાજ, ચમચી હલાવવાનો અવાજ વિગેરે ક્રમબદ્ધ અવાજો આવતા રહ્યાં અને દૂરથી આવતી સુગંધની અપેક્ષા પ્રમાણે ગુલાબનું શરબત ગ્લાસમાં પીરસાયું. એક જ ગ્લાસ હોવાથી ખોડો મૂંઝાયો કે એક જ ગ્લાસ હોય તો મારાથી કેમ લેવાય? એણે ગ્લાસ લઇ તરત જ શેઠ આગળ ધર્યો અને શેઠે “બેટા, હું તો  જમવા આવ્યો છું તમારે હજી લાંબે જવાનું છે એટલે તમે લો” કહ્યું અને ખોડાએ ગ્લાસ હાથમાં લીધો.

હજી તો પહેલો ઘૂંટડો જ ભર્યો અને મન તરબતર થઇ ગયું! અદભુત સ્વાદ હતો. ખોડાને થયું કે મારા ત્યાં પણ ગુલાબનું શરબત છે પણ એમાં આવો સ્વાદ કેમ નથી? પછી પોતે ને પોતે મન મનાવ્યું કે મેં તો પેલી કરિયાણાની દુકાનેથી લેબલ વગરનું ગૃહ ઉદ્યોગનું ગુલાબ શરબત લીધું છે અને શેઠનું ગુલાબનું શરબત તો કદાચ લંડન બંડનથી આવ્યું હશે.

“આમને તો ભાન જ નથી પડતું કે ઘરમાં કોને બોલાવાય અને કોને ના બોલાવાય, જેને ને તેને ઘરે બોલાવીને ચા પીઓ, ઠંડુ પીઓ અને જમીને જાવ દીધે રાખે છે તો”…..  શરબતની મીઠાશ ખોડાની જીભ પર રમતી જ હતી ત્યાં તો અંદરથી આવેલા આ કર્કશ અવાજે જીભને બેસ્વાદ કરી નાખી.

શેઠે ખોડા સામે જોયા વગર સમજદારીપૂર્વક ટીવીનો અવાજ વધારી દીધો. ચારેય જણા અલગ અલગ મનોસ્થિતિમાં હતાં. ચુગલીખોર નોકરને સાચી માહિતી સાચા સમયે પંહોચાડયાનો સંતોષ હતો. 97 કિલોની કાયાને ‘કોઈનીયે સાડાબારી રાખ્યા વગર કેવું મ્હોં પર સંભળાવી દીધુ’ નું ગુમાન હતું. ખોડાને માન અપમાન માન બધુ વારાફરથી મળ્યુ એટલે હરખ શોકની કંઈ સમજણ નહોતી પડતી પણ ચચરાટી તો થતી હતી. શેઠની બિચારાની સ્થિતિ ક્ષોભજનક હતી.

શરબત પીને ખોડો બોક્ષ લઈને ફેકટરીએ જવા નીકળ્યો. રસ્તામાં એના મેલડી માની દેરી આવતી હતી. ખોડાના પરિવારના લગભગ બધા જ અટકેલા કામ પુરા કરવાની એક માત્ર ખાતરીવાળી જગ્યા એટલે આ મેલડી માની દેરી. તરત ટેમ્પો ઉભો રાખી ઝટપટ ચપ્પલ કાઢી માથું નમાવ્યું ને કસમ ખાધી કે “મા તારી સોગંદ, આજ પસી ઈ જાડીના ત્યાં ટાંટિયો મેલુ તો”

ખોડો ફેકટરીએ પહોંચ્યો તો લન્ચ સમયે અમુક ટીખળી કારીગરો રાહ જોઈને જ બેઠા હતાં. “કેવું રહ્યું લ્યા શેઠાણી જોડે?” એકે મૂછમાં મલકાતા પૂછ્યું. “મઝા આવી” કાંદાને મુઠ્ઠીથી ફોડતા ખોડાએ જવાબ આપ્યો. પણ એની મુઠ્ઠીએ કાંદા પર કાઢેલું જોશ કોઈથી છાનુ રહ્યું નહિ.

ખોડા સાથે થયેલા પ્રસંગો લગભગ બધા સાથે બન્યા હોવાથી કોઈ શેઠના ત્યાં જવાનું પસંદ કરતુ નહોતું, પણ ના છૂટકે જવું પડે તો જે ફેકટરીમાં સૌથી નવો આવ્યો હોય એવો વારો કાઢી લેતા. નવો ગયેલો કારીગર પણ એક વાર જઈ આવે પછી બધાએ ખાધેલી સોગંદ ખાઈ લેતો કે આજ પછી ક્યારેય શેઠને ત્યાં જવું નહિ.

લંચ પત્યું અને બધા હવે પછીની માલની ડિલિવરીની તૈયારી કરવા લાગ્યા. શેઠ આવે એટલે તરત બેંકમાં જઈ 1 લાખ ભરાવી ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો અને ત્યાર બાદ ડ્રાફ્ટ સાથે આ માલ રવાના કરવાનો. જો ડિમાન્ડ ડ્રાફ્ટ ના મોકલીએ તો આવતા મહિનાનો કાચો માલ ના આવે.

બે વાગ્યા… સવા બે થયા…અઢી થયા… અરે પોણા ત્રણ થઇ ગયા! (આ એ જમાનાની વાત છે જ્યાં સામાન્ય માણસો માટે બેન્ક બપોરે 3.30 વાગ્યે બંધ થઇ જતી હતી) પણ શેઠ આવે જ નહીં. મેનેજરને ચિંતા થઇ કે જો આ માલ સમયસર ના પહોંચ્યો તો શરતો અનુસાર કોન્ટ્રાકટ કેન્સલ થશે અને ભારી પેનલ્ટી લાગશે, તદુપરાંત આવતા મહિનાનો માલ નહીં મળે એ નફામાં. આમ ડબલ નુકશાનની ભીતિએ મેનેજરને પરસેવો વળવા માંડ્યો.

“કદાચ રસ રોટલી જમીને સુઈ ગયા હશે” એમ ધારી આખરે ત્રણને દસે કોઈ એક જણને ફેકટરીએથી ઘરે મોકલી શેઠને બોલાવવાનું નક્કી થયુ. ફરી ખોડાનો જ નમ્બર આવ્યો. ખોડાએ તો કીધું કે “હમણાં જ મેલડી માને ત્યાં સોગંદ ખાધી છે કે આજ પસી પગ નઈ મેલુ, ઈટલે હું તો નૈ જઉ”

જીભાજોડી કરવાનો કે હાથ પગ જોડવાનો સમય નહોતો એટલે બીજા એક નવા છોકરાને તૈયાર કર્યો. એ શેઠના ઘરે પહોંચ્યો તો વોચમેને કીધું કે શેઠાણી બાથરૂમમાં લપસી ગયા છે અને માથામાં નળ વાગવાથી ખુબ લોહી નીકળ્યું એટલે બેભાન થઇ ગયા છે અને એમને આપણા શેઠ નજીકની સાવરકર હોસ્પિટલમાં દાખલ કરવા લઇ ગયા છે કદાચ ઓપેરેશન કરવું પડશે.

ખબર લઇ મારતી સાઇકલે છોકરો ફેકટરીએ આવ્યો અને શેઠાણીના હોસ્પિટલના ખબર આપ્યા. ફેકટરીના સૌથી જુના એવા એકાઉન્ટ ડિપાર્ટમેન્ટના ભગુકાકા એ કમાન સંભાળી લીધી. એમણે તરત બધાને તાબડતોડ ઇમરજન્સી મિટિંગમાં બોલાવ્યા અને પ્રસંગની ગંભીરતા પારખી થોડી હૃદયસ્પર્શી વાતો કરી, અમુક સૂચનાઓ આપી અને ફેકટરી આપણે સંભાળી લેવાની છે એવો સંદેશો બધાને આપ્યો.

આ બાજુ શેઠ સતત 17 દિવસ સુધી ફેક્ટરી આવવાને બદલે હોસ્પિટલમાં શેઠાણીની માવજત કરતા રહ્યા. મનમાંને મનમાં સતત ફેક્ટરીની ચિંતા તો હતી પણ “જાન હે તો જહાન હૈ” સૂત્રને સારી રીતે સમજતા શેઠને એ ખબર હતી કે ગુમાવેલા પૈસા તો પાછા કમાઈ લઈશ પણ પત્ની ગુમાવીશ તો ઘર પરિવાર છોકરા બધું જ રખડી પડશે. એમાં હોસ્પિટલ પણ એટલી સારી મળી કે લોહી વગેરેની વ્યવસ્થા એમણે જાતે કરી આપી!!

18મા દિવસે શેઠ ભારે હૈયે ફેક્ટરી પહોંચ્યા. વર્ષોના નિયમ પ્રમાણે પહેલા આંગણાના મંદીરે પૂજા કરી ત્યાર બાદ કેબિનમાં જઈ મેનેજરને બોલાવ્યા અને છેલ્લા 17 દિવસનો રિપોર્ટ માંગ્યો.

સુખદ આશ્ચર્ય વચ્ચે મેનેજરે કીધું કે એ દિવસે માલ સમયસર રવાના થઇ ગયો હતો અને બીજો કાચો માલ પણ આવી ગયો હતો એટલે એનું પણ પ્રોડક્શન શરૂ કરી દીધું છે. એના એક લોટની ડિલિવરી થઇ ગઈ છે અને આવતા અઠવાડિયે બીજો લોટ પણ નીકળી જશે. બાકી ફેકટરીમાં બધું બરાબર છે, એક પણ જણે રજા નથી પાડી કે કોઈ રૂટીન કરતા અલગ ઘટના નથી બની.

શેઠ તો અવાક થઇ ગયા. “પણ એ દિવસે 1 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો હતો તે પૈસા ક્યાંથી આવ્યા?”

“એ તો આપણા કૌશિકે આપ્યા હતા”

“કોણ કૌશિક? પેલો નવો છોકરો? જે હજી જાન્યુઆરીમાં જ પરણ્યો એ? હજી તો 24 જ વર્ષનો છે એ. એણે તો સાદાઈથી લગ્ન કરવા માટે સ્ટાફમાંથી કે પોતાના સગામાંથી કોઈને પણ પોતાના લગ્નમાં નહોતા બોલાવ્યા. એની પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા?”

મેનેજરે કહ્યું “સર, એ તો મને ખબર નથી”

તાબડતોડ કૌશિકને બોલાવ્યો પણ એ સેલ્સના કામે કોઈ કસ્ટમરને મળવા ગયો હતો. તરત ભગુકાકાને બોલાવવામાં આવ્યા અને ભગુકાકાએ વાત કીધી કે કૌશિક જાન્યુઆરીમાં પરણ્યો પણ એની ઈચ્છા સાદાઈથી પરણવાની હતી એટલે માત્ર 21 માણસો વચ્ચે સાદાઈથી લગ્ન કર્યા. એ ખર્ચ પેટે બચેલા 5 લાખ રૂપિયા એના સસરાએ ફિક્સ ડિપોઝીટ કરીને એને આપ્યા હતા. યોગાનુયોગ એનું ખાતુ આપણી બેન્કમાં જ છે એટલે જેવી એને ખબર પડી કે તરત એણે ફિક્સ ડિપોઝીટ પર લોન લીધી અને તાત્કાલિક આપણો ડિમાન્ડ ડ્રાફ્ટ બન્યો અને માલ રવાના થયો.

એટલું જ નહીં, આપણા ડ્રાઈવર દિનુકાકા એ બંને સમય પોતાના ઘરેથી ટિફિન લાવીને બાબા સાહેબનું ધ્યાન રાખ્યું છે. અને આ ખોડો, આપણો ટેમ્પો ડ્રાઈવર, એણે શેઠાણી સારા થાય તો મેલડી માના મંદિરે પરિવાર સમેત ચાલતા જવાની બધા રાખી છે. અને હા પેલો MBA છોકરો અને પેલી એકાઉન્ટન્ટ છોકરીએ હોસ્પિટલ આવીને શેઠાણી માટે 2 બોટલ લોહી આપ્યું હતું. ભગુકાકા એ એકી શ્વાસે 17 સેકન્ડમાં 17 દિવસનો રિપોર્ટ આપી દીધો.

“આમને તો ભાન જ નથી પડતું કે ઘરમાં કોને બોલાવાય અને કોને ના બોલાવાય, જેને ને તેને ઘરે બોલાવીને ચા પીઓ, ઠંડુ પીઓ અને જમીને જાવ દીધે રાખે છે તો” શેઠાણીના આ શબ્દો શેઠના કાનમાં ઘૂમરાવા માંડયા અને BizTea માં દિપક સરે કીધેલી વાતો નજર સમક્ષ ફરવા માંડી. શેઠે એ સાંજે સૌને ભેગા કર્યા અને ત્યાંને ત્યાં ઝળઝળિયા ભરેલી આંખે સૌને 7% પગાર વધારો આપ્યો અને કહ્યું કે “તમે લોકો માત્ર મારા સ્ટાફમાં નથી પણ મારા પરિવારના સભ્ય જેવા છો, તમે છો તો મારી જાહોજલાલી છે” અને શેઠે સૌને અને ભગવાનને બે હાથ જોડીને નમન કર્યા.

–અસ્તુ

(કથાબીજ: કરિશ્મા એજન્સીસ, સુરત)

****

Business Learning 

મિત્રો,

કંપની નાની હોય કે મોટી, એમાં કામ કરનારો ડ્રાઈવર હોય કે ડિરેક્ટર, ગમે તે લેવલે હોય સ્વમાન સૌને હોય છે. આ સ્વમાનને નેવે મૂકીને કામ કરનારો માણસ માત્ર અને માત્ર મજબુર જ હોઈ શકે. પૈસો તો આજે છે અને કાલે નથી. પૈસાની ચડતી પડતીનો અનુભવ આપણને સૌને છે. પૈસાના ગુમાનમાં કોઈકના સ્વમાન સાથે ખિલવાડ કરવાની સજા કુદરત આજે નહિ તો કાલે ચોક્કસ આપે છે.

પ્રશ્ન એ થાય કે આટઆટલા અપમાન પછી પણ એ 97 કિલોની કાયાને લોહી આપવું, પોતાની FDપર લોન લઈને પૈસા આપવા, 97 કિલોની કાયા માટે પરિવાર સાથે ચાલતા જવાની માનતા લેવી અને એના છોકરાઓને બંને સમય પોતાના ત્યાંથી ટિફિન લાવી સાચવી લેવા આવા કામ એ જીવનભર અપમાનિત થયેલા સ્ટાફે કેમ કર્યા હશે?

એનું એક માત્ર કારણ છે શેઠનું સ્ટ્રોંગ HR અર્થાત હ્યુમેન રિસોર્સ.

BizTea ના બિઝનેસ સેશનમાં શેઠ દિપક સર પાસે એવું શીખ્યા હતાં કે પોતાની સાથે કામ કરતા માણસોને મશીન કે સાધન કે લાગણીવિહીન ગણવાને બદલે એમને પણ લાગણીથી છલકાતાં મનુષ્ય ગણી એમની સાથે માનવીય વ્યવહાર કરવો જેથી એ દિલ દઈને કામ કરે, અને એટલું જ નહિ વખત આવે બિયોન્ડ ધ બાઉન્ડ્રી જવા પણ તૈયાર હોય.

તમારી કંપનીનું HR સ્ટ્રોંગ છે કે નબળું છે? જો નબળું હોય તો દિપક સરના પર્સનલ કોચિંગ સેશન અટેન્ડ કરી એને સ્ટ્રોંગ કેવી રીતે કરાય એ જાણી લેશો.

હ્યુમેન રિસોર્સ વિષે વધુ માહિતી આપને BizTea ના સેશનમાંથી અથવા દિપક સરના પર્સનલ કોચિંગમાંથી મળી રહેશે.

આભાર

–Deepak Makwana
Business Coach

Founder & CEO BizTea

Asia’s 1st continuous Business learning Platform

98 251 68 222

“Join BizTea to grow your business”

42 thoughts on “97 કિલોની કાયા અને 1 લાખનો ડીડી

  1. खूब सरस कहानी है, इस से ये समझ में आता है की हमारा स्टाफ को हम सम्हालेंगे तो वो लोग हमें 10 गुना सम्हालेंगे और काम भी अच्छी लगन से करेंगे.

  2. Sir,
    Earning of People is more difficult than earning of money.
    This is suitable Example of Giving Feel Good Factor to employees by the Employer.

  3. Very well explained basic principle of business through simple story..

    Staff members are the basic pillars of any business firm

    Congratulations 👍👍

  4. Being… Human before Resource Human…. Isn’t it ?!
    Lovely story telling… by a great Story teller…
    Teacher… 👍🏻
    Nice way to make people learn the Corporate Attitude and Values.

  5. Dear દીપક ભાઈ ,

    હ્રદય સ્પર્શી સ્ટોરી છે .
    અને સાથે
    ખુબજ સરસ મેસેજ આપનાર છે .

    મોરલ ઓફ ધ સ્ટોરી…
    કર ભલા તો હોગા ભલા ..
    ખૂબ સરસ રીતે મુકેલ છે .

    પ્રેમ આપવાથી દિલ જીતવા નો રસ્તો મળી જાય ,જે સમૃદ્ધિ અને માન સન્માન ની મંઝિલ પર લઈ જાય છે .

    પૈસા આપો તો માણસ નો સમય ખરીદાય , પણ પ્રેમ આપો તો માણસ ના દિલ ને જીતી શકાય જે સાચા અર્થ માં તમને સફળતા ખરીદી નેઆપે છે ..

    MBA માં Human resources થી સ્ટાફ નો સમય ખરીદાય છે
    પણ સ્ટાફ ના દિલ ને કમાવા ની સાચી રીત આ સ્ટોરી સરસ રિતે સમજાવે છે .

    દીપક ભાઈ , આપ બીઝનેસ કોચ ની સાથે જ મૃદુ હ્રદય વાળા છો તેથી લાગણીઓ તમારા લેખન માં છલકાય છે ..

    તમે મૃદુ હ્રદય વાળા લેખક છો
    સાચે જ ખૂબ સારા લેખ તમે આપી શકો તેમ છો ..

    તમારી કલમ દ્વારા લોકો ને ખુબજ સરસ ગાઇડન્સ મળે તેમ છે .
    તો આ રીતે તમારી કલમ ને અવિરત વહેવા દો ..
    Wish u good luck..

    તમારો મિત્ર
    R k

  6. Happy morning to you sir, it’s heart touching story, I am happy to say I am applying this aproch always and feel environment is always healthy in my office.
    Thanks for lovely story of life.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *