Blog

“ફ્રૂટ સલાડ – ગરોળી – કેક્ટ્સ”

“નેહલભાઈ, નવો કોઈ ઓર્ડર આવ્યો કે માલનો?”

રાજને ખુબ મૃદુ પણ આશાભર્યા અવાજે પોતાના પાર્ટનરને પૂછ્યું જે સેલ્સ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતાં.

જવાબમાં નીરવ ચુપકીદી.

રાજને ફરી પૂછ્યું “નેહલભાઈ, નવો કોઈ ઓર્ડર લાવ્યા કે માલનો?”

પ્રશ્નમાં ઓર્ડર “આવ્યો” થી ઓર્ડર “લાવ્યા” નો થયેલો ફેરફાર જાણી જોઈને રાજને કર્યો હતો.

પણ છતાં જવાબમાં ચુપકીદી!!

“નેહલભાઈ, જવાબ તો આપો ઓર્ડર વગર ધંધો કેમ થશે?”

હવે અવાજમાં આવેલું ઉંચાપણું અને ઉમેરાયેલી તીખાશ કોઈ પણ પારખી શકે એટલી સ્પષ્ટ બની હતી.

“ના, નથી ગયો, જઈશ કાલેબાલે” બીબાઢાળ ઉત્તર નેહલે આપ્યો.

“કેટલા દિવસથી જઈશ જઈશ કરો છો પણ જતા તો છો નહી, આમ થોડો ધંધો ચાલે?” રાજન લગભગ ઉશ્કેરાટની કક્ષાએ પહોંચી ગયો. આ ઉશ્કેરાટ નેહલને કંઈ નહિ કરી શકવાની વિવશતાનો હતો!

અહીં રાજન જે નેહલને સવાલ પૂછતો હતો એ નેહલ ધંધાનો પાર્ટનર હતો પણ જે નેહલ જવાબ નહોતો આપતો એ નેહલ રાજનનો સાળો હતો! સગો સાળો… સગો મોટો સાળો.

સામે પક્ષે નરમાશથી સવાલ પૂછતા હતા એ રાજન જીજુ હતાં પણ જે રાજન ઉશ્કેરાઈને પૂછતો હતો એ બિઝનેસમેન રાજન હતો અને હા, લાચારી અનુભવતો અને વિવશતાનો માર્યો રાજન જે હતો જે સાળા અને બીઝ્નેસ પાર્ટનર વચ્ચે પીસાતો જીજુ કમ બિઝનેસ પાર્ટનર હતો.

થોડી અટપટી લાગતી વાતની શરૂઆત 13 વર્ષ પહેલા થઇ હતી. 13 વર્ષ પહેલા ધામધૂમથી પરણીને આવેલી કાંચી ખુબ સહેલાઈથી રાજનના ઘરમાં અને જીવનમાં સેટ થઇ ગઈ હતી અને 13 વર્ષમાં એક દીકરા અને એક દીકરીની પરિવારને ભેટ આપી સાસુ, નણંદ અને સમાજની તમામ અપેક્ષાઓ પર ખરી ઉતરી હતી. હવે કાંચીએ કશું સાબિત કરવાનું હતું નહીં માત્ર બાળકોને ઉછેરીને મોટા કરવાના અને રાજનને સાચવી લેવાનો, આ જ કામ મોટા ભાગે કરવાના હતાં.

કાંચીનો મોટો ભાઈ નેહલ ભણવામાં પહેલાથી ઠોઠ નિશાળીઓ. સામાન્ય રીતે ઠોઠ નિશાળીયો જીવનની આંટીઘૂંટી સહેલાઈથી ઉકેલી શકતો હોય છે પણ અહીં નેહલના કેસમાં તો એમાં નેહલ વધુ ડફોળ સાબિત થયો. ડેપ્યુટી મામલતદાર તરીકે નિવૃત્ત થયેલા નેહલ-કાંચીના પપ્પા ગુણવંતરાયની આશરે 95 લાખની બચત હતી. જેમાંથી 60 લાખ રૂપિયા તો સુપુત્ર નેહલ માત્ર 11 જ વર્ષમાં અલગ અલગ ધંધામાં ખોટ ખાઈને ગુમાવી ચુક્યા હતા.

જમાનાના ખાધેલ એવા ગુણવંતરાય સમજી ચુક્યા હતા કે નેહલ કંઈ કરતા કંઈ ઉકાળી શકે એમ નથી. એટલે જો એને કોઈ એનાથી વધુ બુદ્ધિશાળી સાથે બેસાડી શકાય તો નાનું મોટું કામ કર્યા કરે અને એનું એના પરિવારનું ગાડું ગબડ્યાં કરે. ગુણવંતરાયને નેહલ કરતા પણ એના બંને નાના દીકરાઓની વધુ ચિંતા હતી. આખરે મૂડી કરતા વ્યાજ વ્હાલું હોય એ એમની ફિલસુફી હતી.

ગુણવંતરાયને આ કામ માટે જમાઈ રાજન સૌથી યોગ્ય ઉમેદવાર લાગ્યા.

રક્ષાબંધને રાખડી બાંધવા આવેલી કાંચીને વીરપસલી આપવા માટેના પૈસા પણ નેહલને ગુણવંતરાયે હાથમાં આપ્યા એ સમજુ કાંચીથી છૂપું રહ્યું નહિ અને એ સમજુ દીકરીએ એ પૈસા લઇ લેવાને બદલે નેહલના બંને દીકરાઓને ચોકલેટ ખાવાના બહાને પાછા આપી દીધા.

આ મોકાનો લાગ જોઈને ગુણવંતરાયે ફાયદો ઉઠાવો કે “બેટા કાંચી, બેસ કંઈક વાત કરવી છે તારી સાથે”

“બોલોને પપ્પા” કાંચી બોલી.

સાચી લાગણીમાં અભિનયની બનાવટ ઉમેરવામાં પાવરધા એવા ગુણવંતરાયે 20 જ મિનિટમાં અભિનય સમ્રાટની અદાથી કાંચીને ગળે ઉતારી દીધું કે નેહલ કઇં કરી શકે એમ નથી અને જમાઈ એને સાથે ધંધામાં લઇ લે તો મારી બધી ચિંતા ટળી જાય.

રડવું, ડૂમો બાઝવો, ગળગળા થવું, આજીજી, લાચારી અને આશા બતાવવી એમ અભિનયના તમામેતમામ રસ ઉમેરી કીધેલી વાત કાંચી માટે લગભગ એક તરફી રહી, કેમ કે ના પાડવાની જગ્યા ગુણવંતરાયે છોડી જ નહોતી.

સાથે જ “એવું હોય તો એમના ધંધા માટે 35 લાખ રૂપિયા પણ એમને એમને એમ આપુ મારે એ પાછા પણ નથી જોઈતા બદલામાં નેહલને પાર્ટનર બનાવી લે” નો પ્રસ્તાવ પણ આપ્યો. કાંચીને પ્રસ્તાવરૂપે રજૂ કરાયેલો સોદો ગમ્યો તો ખરો પણ “રાજનને પૂછીને કહું પપ્પા” કહી તાત્કાલિક જવાબ આપવાની મથામણમાંથી પોતાની જાતને બચાવી લીધી.

કાંચી પુરેપુરી પીગળી ચુકી હતી કેમ કે એક કાંકરે બે પક્ષી મરતાં દેખાતા હતાં. એક તો પોતાનો ભાઈ સેટ થઇ જાય અને બીજુ કે વગર વ્યાજના બલ્કે પાછા પણ નહિ આપવાના એવા 35 લાખ રૂપિયા રાજનને એમને એમ મળતા હતાં!!

એક વખત સતત 3 દિવસ બહારગામ નવા ઓર્ડર માટે ફરીને થાકેલો અકળાયેલો રાજન જ્યારે ઘરે આવ્યો ત્યારે એનું ભાવતું ફ્રુટસલાડ બનાવીને પુરુષના દિલનો રસ્તો એના પેટમાંથી જાય છે ઉક્તિને સાર્થક ઠેરવતા કાંચીએ “કોઈને દોડાદોડી માટે રાખી કેમ નથી લેતા” કહી વાતની શરૂઆત કરી.

“ઘણા વખતથી વિચારું છું પણ કોઈ વિશ્વાસુ માણસ મળતો જ નથી રાજને કહ્યું”

“એમ બજારમાં થોડા વિશ્વાસુ માણસો વેચાતા મળે” કાંચીએ નિશાન લઇ વાતનું છટકું ગોઠવ્યું.

“તો ક્યાંથી ઘરમાંથી મળે?”

રાજને તીખાશ સાથે પૂછ્યું જેમાં “વાત કરે છે તો” નો છૂપો સંદેશો હતો.

“હાસ્તો, મારો ભાઈ નેહલ છે જ ને” રાજને ઝાટકો મારી ડોકી કાંચી બાજુ કરી (એ જ વખતે ટ્યુબલાઈટ પાછળથી એક ગરોળી અચાનક નીકળી અને વરસાદીયા પાંખાળા બેધ્યાન જીવડાં તરફ આગળ વધી)

અને તરત ચુક્યા વગર કાંચી એ કીધું “પપ્પા કહેતા હતા કે નેહલ માટે 35 લાખ રાખ્યા છે, જોઈએ તો નેહલ અને રાજન કુમાર સાથે કામ કરે અને તમે પૈસાને મેનેજ પણ સારી રીતે કરી શકશો” (ગરોળી ઠેઠ જીવડાની લગોલગ પહોંચી ગઈ)

અને હા પપ્પાએ એમ પણ કહ્યું છે કે 35 લાખ પાછા આપવાની જરૂર નથી (સટ્ટ દઈને જીવડું ગરોળીની લપસણી ચીકણી જીભમાં ફસાયું અને એક ધીમા પણ દર્દનાક મોતની સફર શરુ થઇ)

રાજનની બુદ્ધિનું પલડું 35 લાખના વજન સામે વામણું થઇ ઊંચું થઇ ગયું.

સગો મોટો સાળો બીઝનેસમાં સાથે જોડાતો હતો એટલે ફાયદા ગેરફાયદા બંને હતાં પણ આ કિસ્સામાં 35 લાખની વર્કિંગ કેપિટલના તોતિંગ ફાયદા સામે નેહલની હાજરીના અને બુદ્ધિ પ્રદર્શનના ગેરફાયદાનું પલડું ખુબ ભારે હતું. છતાં મજબુર રાજને હા પાડી.

ગુણવંતરાયે એક શુભ(!) દિવસે દીકરી જમાઈને જમવા તેડાવ્યા અને જમ્યા પછી ઝૂલે ઝૂલતા ઝૂલતા “કુમાર, કાંચીએ તમને બિઝનેસમાં પડતી તકલીફોની વાત કરી છે, તમારી આટલી ઈચ્છા છે જ તો ભલે નેહલ એનો ધંધો છોડી તમારી સાથે કામ કરતો” વાઈડ બોલ પર છગ્ગો મારવાની ગુણવંતરાયની જૂની આદતથી પરિચિત જમાઈને આ ઊંધા પ્રસ્તાવની જરાય નવાઈ ના લાગી.

નક્કી થયેલી સ્ક્રીપ્ટ મુજબ કાંચીના મમ્મી અંદરથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા 35 લાખ રૂપિયા લઇ આવ્યા અને જમાઈની સામે મુક્યા અને કહ્યું “આ લ્યો કુમાર, થોડા રૂપિયા છે ધંધામાં કામ આવશે” હવે અભિનય સમ્રાટ બનવાનો વારો રાજનનો હતો અને હરખ છુપાવી “ના, ના આની શું જરૂર હતી” નો વિવેકપૂર્ણ અભિનય કરી 35 લાખ લઇ ઘરે આવ્યા.

ઘરે જતા જતા રસ્તામાં રિલાયન્સનું હોર્ડિંગ આવ્યું તો રાજનને કોણ જાણે કેમ એમાં ધીરુભાઈની જગ્યાએ ગુણવંતરાયનો ફોટો હોય એવો આભાસ થયો!

બીજા દિવસથી એક નવા, ધીમા પણ દર્દનાક બિઝનેસ એસોશિએશનની શરૂઆત થઇ.

રાજન અને નેહલ બંનેની પ્રકૃતિ અલગ.

રાજનને ધંધાના સમયે ધંધા સિવાય કંઈ દેખાય નહિ અને સૂઝે પણ નહિ જ્યારે નેહલને ધંધાના સમયે પણ ક્રિકેટનો સ્કોર સતત જોવાની ટેવ, વેબ સિરીઝના એપિસોડ જોવાની ટેવ, ઈન્ટરનેટ પર ગેમ રમવાની ટેવ.

રાજન તરવરીયો યુવાન, અડધી રાત્રે પણ ગમે ત્યાં દોડવા તૈયાર, નેહલ ધીમો ઢોલ, ધક્કા મારો તો યે કંઈ કરે નહિ.

રાજન જબાનનો પાક્કો એક વાર કીધું એટલે કામ થાય જ થાય, જ્યારે નેહલ વાત ટાળવા માટે જ જબાન આપતા શીખ્યો હતો. નેહલને ખબર હતો કે “હા, જાઉં છું” એમ કહીએ એટલે વાત તત્પુરતી ટળી જાય છે.

રાજનના પ્લાન એવા કે 2-3 વર્ષમાં ખુબ મહેનત કરીને બીજી ઓફિસ કરું અને બીજી ઓફિસે નેહલને બેસાડી દઉં એટલે પછી નેહલ પણ એની જવાબદારી સમજીને ઠરીઠામ થશે.

સામે પક્ષે નેહલના મનમાં એવા મનસૂબા કે પપ્પાએ 35 લાખ આપ્યા છે એટલે 35 વર્ષ તો મને ભાગીદાર તરીકે બેઠી આવક થશે જ. મારે હવે ક્યાં કંઈ કરવાનું છે?

બંનેએ પોતપોતાના પ્લાન મનમાં રાખ્યા અને બંને જણા એવું સમજીને ધંધો કરતા ગયા કે ધંધો મારા પ્લાન મુજબ આગળ વધી રહ્યો છે!!

રાજને એક વાર એક મોટી પાર્ટીનો ઓર્ડર લેવા માટે નેહલને વારંવાર કહ્યું તેમ છતાં “કાલે ચોક્કસ જઈશ” ના બહાના હેઠળ નેહલ ગયો જ નહીં. તે પાર્ટી એસોશિએશનની મિટિંગમાં રાજનને મળી અને રાજનને કહ્યું કે “આ વખતનો તમારો માલ સારો નથી, ક્વોલોટી બગડતી જાય છે” ત્યારે રાજન અવાક્ થઇ ગયો કેમ કે આ પાર્ટીનો તો માલનો ઓર્ડર આવ્યો જ નહોતો!!

છતાં આશ્ચર્ય પર કાબુ રાખી “શેઠ, હું આજે જ જોવડાવી લઉ છું, એવું હશે તો બદલી આપીશ” એમ કહી પોતાની ઓફિસે આવી શેઠની ઓફિસે ફોન કરી પરચેઝ ઓર્ડરની વિગત માંગી તો ખબર પડી કે 18 દિવસ પહેલા નેહલ ત્યાંથી ઓર્ડર લઇ આવ્યો હતો અને બારોબાર બીજી કોઈ પાર્ટી પાસેથી માલ ખરીદી પોતાની ફર્મના નામે બિલ બનાવી સપ્લાય પણ કરી દીધો હતો.

આમ માત્ર 8 મહિનામાં જ રાજનને ખબર પડી ગઈ કે 35 લાખના સુગંધી રંગીન ગુલાબ ભેગો જે નેહલ નામનો કાંટો આવ્યો છે તે કાંટો હવે ધંધામાં કેક્ટ્સ બનવાનો છે.

રાજને તરત જ પોતાના મિત્રોનો સંપર્ક કર્યો અને એમની સલાહ અનુસાર તાત્કાલિક શહેરના જાણીતા બિઝનેસ કોચનું કોચિંગ લીધું.

બિઝનેસ કોચે બીજા સેશનમાં જ કીધું કે તમારી રિક્રુટમેન્ટ પેટર્ન ઈમોશનલ છે જે પ્રોફેશનલ હોવી જોઈએ અને ધંધામાં એક બીજા પાસે અપેક્ષાઓ લખેલી સ્પષ્ટ હોવી જોઈએ. આ અપેક્ષાઓ SWOT કર્યા પછી ખુલ્લા દિલે ચર્ચા કરીને બનાવેલી હોવી જોઈએ. અને ધંધો મોનિટર કરવાની એક સિસ્ટમ તમારે બનાવવી પડે જે નથી અને હા, સામાજિક નુકશાન કરવું છે કે આર્થિક નુકશાન કરવું છે તે નક્કી કરી લો અને જો આર્થિક નુકશાન ના કરવું હોય તો સામાજિક નુકશાન ઉઠાવવાની હિમ્મત રાખીને પણ નેહલને તાત્કાલિક છૂટો કરો.

રાજને તરત જ કોચની વાત માની ફેમિલી મિટિંગ કરી, નેહલે શું કર્યું એ કીધું અને આજથી નેહલ અને હું સાથે નહિ બેસીએ અને તમારા પૈસા હું 5 વર્ષમાં પાછા આપી દઈશ અને ત્યાં સુધી વ્યાજ આપીશ એમ પણ કહ્યું.

ખસિયાણા પડી ગયેલા ગુણવંતરાય કર્મનો સિદ્ધાંત વાગોળતા રહયા કે ખોટો રૂપિયો ચાલી ગયો એમ મેં માન્યું પણ આખરે એ રૂપિયો મારા જ લલાટે લખાયેલો તે પાછો આવ્યો.

દીવાલ પરની ગરોળી હજી જીવડાં પર તરાપ મારવાની ફીરાકમાં છે પણ જીવડું આ વખતે કોચિંગ લઈને બેઠું છે સહેલાઈથી ફસાશે નહિ.

અસ્તુ

(કથા બીજ: ડિવાઇન સિસ્ટમ, બાપુનગર)

 

***********************************

બિઝનેસ લર્નિંગ

1) સગા સંબંધી થવા અને બિઝનેસ પાર્ટનર થવા અલગ કેમિસ્ટ્રી જોઈએ, બને ત્યાં સુધી સગામાં ભાગીદારી કરવી નહિ, બાવાના બેય બગડે.

2) ભાગીદારીમાં પહેલા એક બીજાની ખૂબી ખામી જાણી (SWOT) એ પ્રમાણે સ્પષ્ટ કામની વહેંચણી કરવી જેથી પાછળથી માથાકુટ ના થાય

3) જેટલી વાતો લખેલી હશે એટલી તકરાર થવાની સંભાવનાઓ ઓછી થશે

4) ધારી લેવા કરતાં પૂછી લેવું સારું

5) રીક્રુટમેન્ટ કરો ત્યારે એ ધ્યાન રાખવું કે વિશ્વાસપાત્ર હોવું એ લાયકાત નથી, એ સદગુણ છે અને ધંધો સદગુણથી ના ચાલે લાયકાતથી ચાલે

6) કોઈકના પર આંધળો ભરોસો રાખો ત્યારે તમે આંધળા નથી તે સાબિત કરવા સિસ્ટમ બનાવવી

7) વખતોવખત સિસ્ટમમાં ક્લાયન્ટ ઈન્ફોર્મેશન અપડેટ થવી જ જોઈએ

8) ઓર્ડર લીધા પછી એક ચોક્કસ પ્રક્રિયામાંથી પાસ થાય તો જ ઓર્ડર એક્ઝિક્યુટ થાય એવો ISO સિસ્ટમ બનાવવી

9) બિઝનેસ આગળ વધારવા બિઝનેસસ કોચિંગ લેવું જ લેવું

10) આપને અન્ય કોઈ મુદ્દા ઉમેરવા જેવા લાગતા હોય તો ફીડબેકમાં જણાવવા વિનંતી

******************

BizTea ના ફાઉન્ડર અને બિઝનેસ કોચ દીપક મકવાણા દ્વારા આ પ્રસંગ કથા બીજ બાપુનગરની ડિવાઇન સિસ્ટમ પાસેથી મેળવીને આલેખાયો છે. બિઝનેસના જટિલ કૂટપ્રશ્નોને ખૂબ સરળ ભાષામાં સમજાવવા એ તેમની આગવી ઓળખ છે. નાના પણ વાસ્તવિક પ્રસંગો થકી મળતું બિઝનેસ લર્નિંગ સામાન્ય બિઝનેસમેનથી લઈને એન્ટરપ્રાઈઝ લેવલની CXO ટીમને આકર્ષે છે.

બિઝનેસની મોટી બારાખડીથી લઈને નાની બારાખડી સુધીની તમામ વિગત જાણે માનીતા શિક્ષક પાસેથી શીખતા હોઈએ એ સરળતાથી પચાવી શકાય એ રીતે રજૂ કરવામાં તેઓ માહેર છે.

તેઓ છેલ્લા ૨૩ વર્ષથી બિઝનેસ કોચિંગ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ એશિયાનું સર્વપ્રથમ કન્ટીન્યુઅસ બિઝનેસ લર્નિંગ પ્લેટફોર્મ BizTea સકસેસફૂલી ચલાવી રહ્યા છે. જેમાં તેઓ અનેક આંત્રપ્રિનિયોર્સ અને બિઝનેસમેન કક્ષાના વ્યક્તિઓને પોતાના અનુભવનો અર્ક વહેંચે છે અને તેમની સફળતામાં પોતાના જીવનનો સંતોષ માને છે.

શ્રી દીપક મકવાણાનો આપ અહીં સંપર્ક કરી શકો છો.

# મોબાઈલ 98251 68222

# ઇ-મેઈલ dkmakwana@yahoo.com

 

 

 

 

 

10 thoughts on ““ફ્રૂટ સલાડ – ગરોળી – કેક્ટ્સ”

  1. As Always this is an excellent story , Deepak Sir.

    Great Business Learning session with perfect example.

  2. Great pieace of work.

    Simple yet powerful message

    Aligned with the local culture, yet universally applicable message

    Unique story telling concept yet old school touch..

    Keep it up👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *